Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કચ્છમાં કોરોનાના બે પોઝિટિવ દર્દી સારવાર હેઠળ, છને રજા: અત્યાર સુધીમાં એકનું મોત

*પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા અંજાર-મુન્દ્રાના ૪૧ જણા, ૮ દાખલ શંકાસ્પદ દર્દીઓ, ૧૦ રેન્ડમ સહિત ૫૯ સેમ્પલનું આજે ટેસ્ટિંગ

(ભુજ) કચ્છમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાજા થવાની ટકાવારીનો ગ્રાફ ખૂબ જ સારો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે 'અકિલા'ને આપેલી માહિતી અનુસાર આજ સુધીમાં કચ્છમાં કોરોના જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૧૩ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવાઇ ચુક્યા છે. જેમાં ૧૦૩ ને કોરોના નેગેટિવ આવતાં, એ તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. જ્યારે કોરોના પોઝિટિવના ૯ દર્દીઓ નોંધાયા છે. જે પૈકી ગઈકાલે મુન્દ્રાના ક્રુ મેમ્બરને રજા અપાઈ તેના સહિત કુલ છ દર્દીઓ કોરોનાની સારવારથી સ્વસ્થ થતાં તેમને રજા આપાઈ છે. અત્યારે બે દર્દીઓ ભુજની તબીબ યુવતી અને અંજારના બુઢારમોરા ગામનો યુવાન જે બન્ને મુંબઈથી કચ્છ આવ્યા છે, એ બન્ને ભુજની કોવિડ ૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે એક પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યું છે. ભચાઉના જડસા ગામના ફાયરીંગમાં ઘાયલ થયેલા યુવાનનો કોરોના પોઝિટિવ ટેસ્ટ અમદાવાદમાં સારવાર દરમ્યાન નીકળ્યો છે.

તકેદારીના પગલાં રૂપે અંજારના બુઢારમોરા ગામે કોરોના પેશન્ટને સંપર્કમાં આવેલા વધુ ૩૦ જણા, તેમ જ જામનગરમાં કોરોનાગ્રસ્ત જાહેર થયેલા મુન્દ્રાના મહિલા શિક્ષિકાના સંપર્કમાં આવેલા ૧૧ જણા તેમ જ મુંબઈથી રાપર આવેલા ૯ જણાના રેન્ડમ અને જીકે હોસ્પિટલમાં દાખલ ૮ શંકાસ્પદ દર્દીઓ સહિત એક સ્ટાફ એમ કુલ ૫૯ સેમ્પલ લેવાયા છે. જેમના રિપોર્ટ આજે આવશે.

(9:55 am IST)