Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સોમનાથ : ૨૩મી ફેબ્રુઆરીથી જયોતિર્લિંગનો ભવ્ય સમારોહ

ગુજરાતમાં પ્રથમવાર બાર જયોતિર્લિંગની રથયાત્રા : વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિત મહાનુભાવો આવશે ૨૩મીએ પ્રભાસ પાટણમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન

અમદાવાદ,તા. ૧૨ :     વિશ્વભરમાં સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ રત્નાકર સાગર તટ પર બિરાજમાન સૌથી પ્રથમ જયોતિર્લિંગ છે. ભારતના શિવ આસ્થાના કેન્દ્ર સમાન ૧૨ જયોતિર્લિંગ શિવાલયોના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, તીર્થપુરોહિતો અને વિકાસ કાર્યો સાથે સંકળાયેલા શ્રધ્ધાળુઓ અને દાતાઓનો સમારોહ ગત વર્ષે ઉજ્જૈન મહાકાલેશ્વરમાં યોજવામાં આવ્યો હતો. આ વર્ષે દ્વાદશ જયોતિર્લિંગનો ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક સમારોહ તા.૨૩,૨૪ અને ૨૫ ફેબ્રુઆરી દરમ્યાન સોમનાથ પ્રભાસપાટણ ખાતે યોજાશે. જેમાં ખુદ દેશના વડાપ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના અનેક મહાનુભાવો હાજરી આપશે. આ દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહના ભાગરૂપે ગુજરાત રાજયમાં સૌપ્રથમવાર તા.૧૭થી ૨૧ ફેબ્રુઆરી દરમ્યાન રાજયના ૩૩ જિલ્લાઓમાં સોમનાથ સહિત ૧૨ જયોતિર્લિંગના રથ અને ઝાંખી તૈયાર કરાયા છે, જે રાજયના ત્રણ-ત્રણ જિલ્લાઓમાં ફરીને શ્રધ્ધાળુઓ અને નાગરિકોમાં બારેય જયોતિર્લિંગની મહાત્મ્યતા, ઇતિહાસ સહિતની ધાર્મિક જાગૃતિ ફેલાવશે એમ અત્રે રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા કેશુભાઇ પટેલ અને ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સોમનાથના આંગણે તા.૨૩થી ૨૫ ફેબ્રુઆરી દરમ્યાન બહુ મોટો ઐતિહાસિક અને ધાર્મિક મહોત્સવ એવા દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહ યોજાવા જઇ રહ્યો છે, જેમાં બારેય જયોતિર્લિંગના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, તીર્થ પુરોહિતો, પંડિતો, સાધુ-સંતો ખાસ પધારશે. આ ભવ્યાતિભવ્ય ધાર્મિક મહોત્સવની ગુજરાતભરમાં જોરદાર રીતે ઉજવણી થાય તે માટે ગુજરાતના  ૩૩ જિલ્લાઓમાં સોમનાથ સહિતના બારેય જયોતિર્લિંગના કુલ ૧૨ રથો તૈયાર કરવામાં આવ્યા છે. આ રથ રાજયના ત્રણ-ત્રણ જિલ્લાઓમાં તા.૧૭થી ૨૧ ફેબ્રુઆરી દરમ્યાન પરિભ્રમણ કરશે અને લોકોને શિવભકિત, બારેય જયોતિર્લિંગની મહત્તા, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ-નીતિની જાગૃતતા ફેલાવતાં આ તમામ રથો અલગ-અલગ જગ્યાએથી તા.૨૨મીએ સોમનાથ ખાતે પહોંચશે. ત્યારબાદ તા.૨૩મીએ પ્રભાસપાટણ ખાતે આ રથોની બહુ મોટી અને લાંબી એક ભવ્ય શોભાયાત્રા નીકળશે. વેરાવળ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીથી સોમનાથ મંદિર સુધી ૧૨ જયોતિર્લિંગના ટેબ્લો સાથે આ શોભાયાત્રામાં હજારો ભાવિકભકતો અને શ્રધ્ધાળુઓ જોડાશે. પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા કેશુભાઇ પટેલ અને ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરીએ વધુમાં જણાવ્યું કે, તા.૨૩મીએ સવારે નવ વાગ્યે દ્વાદશ જયોતિર્લિંગની ભૂમિ જળથી નિર્મિત પાર્થિવવેશ્વર લિંગની પૂજા અને ધ્વજારોહણ રાજયના મુખ્યમંત્રી દ્વારા કરાશે. આ ભવ્ય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહનું ઉદ્ઘાટન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા કરાશે. તો, સ્વામી શ્રી અધ્યાત્મનંદજી સરસ્વતીજી અને ૧૨ જયોતિર્લિંગના પૂજારીઓ, પંડિતો સહિતના મહાનુભાવો દ્વારા મહામૃત્યુંજય જપ યજ્ઞ કરવામાં આવશે. વિશ્વસ્તરે દ્વાદશ જયોતિર્લિંગના મહાત્મ્યનો પ્રચાર-પ્રસાર કરવા, હિન્દુ ધર્મ-સંસ્કૃતિ તેમ જ દર્શન પર ગહન વિચારમંથન કરવા અને સાપ્રંત પ્રવાહોના વિષય પર ચર્ચાવિચારણા, હિન્દુ ધર્મ સંસ્થાનોની ગરિમાને અનુરૂપ વેદોક્ત પૂજા-પધ્ધતિનું સામ્યતા સાથે નિરૂપણ કરવા સહિતના ઉમદા ઉદ્દેશ્યો સાથે આ ભવ્યાતિભવ્ય દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહની ઉજવણી કરાશે. બાર જયોતિર્લંગ હોઇ હવે ૧૨ વર્ષ પછી ગુજરાતને આ ઐતિહાસિક અને ભવ્ય દ્વાદશ જયોતિર્લિંગ સમારોહ ઉજવવાની તક મળશે, તેથી આ વર્ષનો સમારોહ બહુ મહત્વનો અને ઐતિહાસિક છે.

રથ કયા જિલ્લા ફરશે...

*    શ્રી સોમનાથ રથયાત્રા - ગીર-સોમનાથ, પોરબંદર, દ્વારકા

*    શ્રી કાશી વિશ્વનાથ રથયાત્રા - મોરબી, રાજકોટ, જૂનાગઢ

*    શ્રી ધૃષ્ણેશ્વર રથયાત્રા - અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા

*    શ્રી રામેશ્વર જયોતિર્લિંગ રથયાત્રા - ડાંગ,તાપી, નર્મદા

*    શ્રી મહાકાલેશ્વર જયોતિર્લિંગ રથયાત્રા - ખેડા, આણંદ, બોટાદ

*    શ્રી વૈદ્યનાથ રથયાત્રા - પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર

*    શ્રી ત્ર્યંબકેશ્વર રથયાત્રા - છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ

*    શ્રી કેદારનાથ જયોતિર્લિંગ રથયાત્રા - ભાવનગર, અમરેલી

*    શ્રી નાગેશ્વર રથયાત્રા - કચ્છ, ભુજ, પાટણ, મહેસાણા

*    શ્રી ઓમ્કારેશ્વર જયોતિર્લિંગ રથયાત્રા - ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર

*    શ્રી ભીમાશંકર રથયાત્રા - દાહોદ, ગોધરા, મહીસાગર

*        શ્રી શૈલમ્ જયોતિર્લિંગ રથયાત્રા - વલસાડ, નવસારી, સુરત

(8:30 pm IST)