Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભાણવડના ઘુમલીમાં પૂજારીની હત્યાનું રહસ્ય ત્રણ અઠવાડીયા બાદ પણ અંકબંધ

ભાણવડ, તા. ૧ર : ભાણવડના ઘુમલી બરડા ડુંગર પર આવેલા સુપ્રસિદ્ધ આશાપુરા મંદિરે ૧૭ જાન્યુઆરીએ સંધ્યા આરતી ટાણે અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે પૂજારી હસમુખભાઇ જયશંકરભાઇ પંડિતની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટનાની તપાસ દેવભૂમિ દ્વારકા જીલ્લા એલસીબી ચલાવી રહી છે, પરંતુ હકીકત એ છે કે, આજે ત્રણ અઠવાડીયા કરતા વધુ સમય થઇ ગયો હોવા છતાં પણ હત્યારાઓના કોઇ સગડ મળી શકયા નથી. જીલ્લા એસપી, એએસપી સહિતના પોલીસ અધિકારીઓ આ પ્રકરણ ઉકેલવા મથી રહ્યા છે, પરંતુ ઘટનાની કોઇ કડી હાથ લાગી રહી નથી અનેક શકમંદોની પૂછપરછ, મોબાઇલ લોકેશનને આારે વિવિધ વિસ્તારો ખુંદી વળ્યા બાદ પણ કોઇ સગડ હાથ નથી લાગી રહ્યા તો બીજી તરફ ભોગ બનનાર પૂજારીના સગાવ્હાલાઓ ઘેરાતા જતા આ રહસ્યને લઇ ખૂબ જ ચિંતિત છે.

પૂજારીની હત્યા અને મંદિરમાં લૂંટની ઘટનાના સમગ્ર વિસ્તારમાં ઘેરા પડઘા પડયા છે અને તમામ સમાજના લોકો ઇચ્છી રહ્યા છે કે, આ ઘટનાના રહસ્ય પરથી પડદો ઉઠે અને આરોપીઓ ઝડપથી ઝડપાઇ જાય, પરંતુ લોકોની અનેક શંકા કુશંકાઓ વચ્ચે પોલીસના હાથે કોઇ સુરાગ હાથ નથી લાગી રહ્યો. પોલીસ તપાસ દરમ્યાન અસંખ્ય શકમંદોની પૂછપરછ કરાઇ છે, પણ પગેરૂ મળી શકયું નથી. ડોગ સ્કવોડની મદદ પણ લેવામાં આવી છે, પરંતુ તે પણ નિષ્ફળ ગયેલ હોઇ રહસ્ય ખૂબજ ગુંચવાડાનું બની ગયેલ છે. આરોપીઓ સીસીટીવી કેમેરાની હાર્ડડિસ્ક પણ ઉઠાવી ગયા હોઇ પોલીસ માટે મોટી ચેલેન્જ બની ગયેલ છે. આ પરિસ્થિતિમાં ભાવિકોમાં પણ ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઘુમલીના આ સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળની મુલાકાતે આવતા લોકોની સંખ્યામાં મોટી ઓટ આવી ગયેલી છે.

(11:27 am IST)