Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પડધરીના શિવપુર નારણકામાં વ્યાજની ઉઘરાણી માટે ગણેશભાઇ પટેલ પર પાઇપના ઘાઃ પગ ભાંગી નાંખ્યો

૫ ટકા વ્યાજે લીધેલા ૩૫ હજાર સામે બે લાખ ભર્યા છતાં વધુ વ્યાજ માંગી લાલા હેરમા અને અજાણ્યા બે શખ્સો તૂટી પડ્યા

રાજકોટ, તા. ૧૧ : પડધરીના નારણકા ગામમાં રહેતા અગરબતીના વેપારીએ વ્યાજે લીધેલા ૩પ હજારના વ્યાજ સહિત બે લાખ ચૂકવ્યા છતાં વધુ બે લાખની પઠાણી ઉઘરાણી કરી રાજકોટ નવાગામના આહીર શખ્સ સહિત ત્રણ શખ્સોએ પાઇપ વડે માર મારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પડધરીના શિવપુર નારણકા ગામમાં રહેતા અગરબતીના ધંધાર્થી ગણેશભાઇ પ્રેમજીભાઇ કાંજીયા (ઉ.વ.પર) ગઇકાલે પોતાના ઘરે હતાં, ત્યારે રાજકોટ નવાગામમાં રહેતા લાલા વેલજીભાઇ હેરમા અને બે અજાણયા શખ્સોએ ઝઘડો કરી ઉશ્કેરાઇને લોખંડના પાઇપ વડે માર મારતા ગણેશભાઇને હાથમાં તથા પગમાં ફ્રેકચર જેવી ઇજા કરી ભાગી ગયા હતા. બાદ ગણેશભાઇને સારવાર માટે રાજકોટ સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા પડધરી પોલીસ મથકના પીએસઆઇ જે.વી. ગાઢીયાએ ગણેશભાઇ કાજીયાની ફરીયાદ દાખલ કરી હતી. ગણેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે નવાગામમાં રહેતા લાલા હેરમાના પિતા વેલજીભાઇ પાસેથી રૂ. ૩પ હજાર પ ટકા વ્યાજે લીધા હતા. પોતે વ્યાજ સહિત બે લાખ ચૂકવી પણ દીધા હતા. છતાં વેલજીભાઇને પુત્ર લાલો હેરમા વધુ બે લાખ બળજબરીથી કઢાવવા માટે અવાર નવાર ધમકી આપતો હતો. પોતે તેને પૈસા આપવાની ના પાડતા ગઇકાલે લાલો હેરમા સહિત ત્રણ શખ્સોએ આવી ધમકી આપી પૈસા આપી દેવાનું કહ્યું હતું અને જો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ઉશ્કેરાઇ જઇ ત્રણેય શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પડધરી પોલીસે નવાગામના લાલા વેજીભાઇ હેરમા તથા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

(1:02 pm IST)