Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કોડીનારના છારા ગામે કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં ઠાગાઠૈયા : મામલતદારને આવેદન

કોડીનાર, તા. ૧૧ : છારા ગામે પાવર પ્રોજેકટ અને પોર્ટ પ્રોજેકટ આવી રહ્યા છે. આ કંપની દ્વારા છેલ્લા એક દાયકાથી જમીન ખરીદવામાં આવી રહી હતી જેમાં પ્રારંભથી જ કંપની વિવાદમાં રહી છે. પર્યાવરણની લોક સુનવણી વખતે પણ પત્થરમારા સહિતના બનાવો બન્યા છે. લોકોની કોઇ વાત સાંભળવાને બદલે લોકોના અવાજને કચડી નાખવા તંત્રનો ઉપયોગ કરવો અને સરકારી નિંભર તંત્ર પણ કંપનીના પ્યાદા બની કામ કરતી હોવાની છાપ લોક માનસ ઉપર છે.

છારા ગામે શાપુરજી પાલોનજીનીફ પોર્ટ બનાવવાની કામગીરી લાંબા સમય પછી હાથ ધરવામાં આવી છે. પ્રારંભમાં માત્ર બે-પાંચ લાખમાં ૧ વીઘો જમીન ખરીદી લીધા પછી ગરજવાળી જમીન વિઘાના એક કરોડ દેતા પણ અચકાઇ નથી. કંપની માને છે કે એક વખત જમીનનો કબ્જો આપ્યા પછી પોર્ટ બની જતા ગ્રામજનોની કોઇ જરર જ નથી આજ રીતે છારા ગામના કેટલાક લોકોને નોકરી સહિતની લાલચ આપી જમીન વિહોણા કરી દીધા પછી ગામના લોકોને રોજગારી આપવાને બદલે બહારથી માણસો કામે રખાતા. છારા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

છારા ગામની મોટાભાગની વસ્તીના લોકો મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે જેથી નિયમ મુજબ જે ગામમાં કંપની આવતી હોઇ તે ગામના ૮૦ ટકા લોકોને સ્થાનિક રોજગારી આપવાની હોય છે, પરંતુ છારા ગામના લોકોને રોજગારી આપવામાં ઠાગાઠૈયા ચાલુ કરવામાં આવ્યા છે.

આ અંગે ગામના સરપંચ કંપનીના અધિકારી પાસે રજૂઆત કરવા ગયા તો કંપનીએ પોત પ્રકાશ્યુ હતું અને કોડીનાર પોલીસ દ્વારા ગ્રામજનોને ડરાવવાનું ચાલુ કર્યું હતું. બે દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેથી ગ્રામજનોને કોઇ ખોટા કેશમાં ફીટ થઇ જવાનો ડર લાગ્યો હતો અને ગામના સરપંચ ભરતભાઇ ચુડાસમાની આગેવાની હેઠળ કંપની અને ગ્રામજનો વચ્ચેના કેટલાક પ્રજાલક્ષી મુદ્દાઓ સાથેનું એક આવેદન પત્ર કોડીનાર મામલતદારને આપવામાં આવ્યું જેનો યોગ્ય ઉકેલ નહીં આવે તો છારા ગામની પ્રજા ગાંધી ચિંધ્યારાહે આંદોલન કરશે તેવી ચીમકી આપી છે. (૮.૭)

(11:58 am IST)