Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ટયુશનિયા શિક્ષકે ૫૧ વિદ્યાર્થીઓને ગોંધી કલાસ પણ બંધ કરી દીધો : જબરી ધમાલ

ભુજમાં શિક્ષણ વિભાગની ટીમ ત્રાટકી : પોલીસે શિક્ષણ હિમાંશુ બારોટની અટકાયત કરી : શિક્ષણ વિભાગની ટીમને જોઇને હિમાંશુ બારોટ વિદ્યાર્થીઓ સાથે અંદર પુરાઇ ગયો'તો : અઢી કલાકના ડ્રામાનો અંત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : હજી બે જ દિવસ પહેલા જિલ્લા શિક્ષણ અધિકારી અને તેમની ટીમે ટ્યુશન કલાસ ઉપર દરોડો પાડીને ચેતવણી આપી હતી એ શિક્ષક હિમાશું બારોટ ફરીઙ્ગ રંગે હાથ ટ્યુશન કરતા ઝડપાઇ ગયો હતો. જોકે, જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ અને શિક્ષણ વિભાગની ટીમ ને જોઈને હિમાશું બારોટ ટયુશન કલાસને અંદર બંધ કરીને વિદ્યાર્થીઓ સાથે અંદર પુરાઈ ગયો હતો. ભરબપોરે ટ્યુશનિયા શિક્ષકની હરકતે ભુજના ઘનશ્યામનગર વિસ્તારને માથે લીધું હતું. ડીઈઓ રાકેશ વ્યાસ અને તેમની તપાસનીશ ટીમે વારંવાર કહેવા છતાં હિમાશું બારોટે રૂમ ખોલ્યો નહોતો. પરિણામે, ટયુશન કલાસ ની બહાર પણ લોકોનો જમાવડો થયો હતો. દરમ્યાન જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસે ભુજ એ ડીવીઝન પોલીસ ને તેમ જ માતૃછાયા વિદ્યાલય ના આચાર્યા નિલાબેન વર્મા ને જાણ કરી હતી. સતત બે કલાક થી વધુ ચાલેલા આ ડ્રામા માં પોલીસે પહેલા સમજાવટ અને અંતે કાયદાનો ડારો દીધા બાદ ટ્યુશનિયો શિક્ષક હિમાશું બારોટ અંતે રૂમ માં થી બહાર આવ્યો હતો.

સરકારી ગ્રાન્ટેડ શાળા ના શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકતા નથી. છતાં પણ માતૃછાયાના ના શિક્ષક હિમાશું બારોટ ધોરણ ૧૨ કેમેસ્ટ્રી ના ખાનગી ટયુશન કરે છે. બે દિવસ પહેલા ની નોટિસ ને દાદ ન દેનાર હિમાંશુ બારોટે પોલીસ તેમ જ શિક્ષણ વિભાગની ટીમ ને અઢી કલાક દોડાવી હતી. જોકે, અંતે કાયદાના ડારા બાદ ગોંધી રાખેલા ૫૧ વિદ્યાર્થીઓને કલાસની બહાર કાઢીને હિમાંશુ બારોટ ડાહ્યો ડમરો બની ગયો હતો. શિક્ષણ વિભાગની ટીમે માતૃછાયાના આચાર્યા નિલાબેન વર્માની ઉપસ્થિતમા જ કાયદેસર કાર્યવાહી કરી હતી. ડીઇઓ રાકેશ વ્યાસના જણાવ્યા પ્રમાણે હિમાશું બારોટ વિરુદ્ઘ ફરજમાં રૂકાવટ અને સસ્પેનશન ની કાર્યવાહી થઈ શકે છે. જોકે, આ ધમાચકડી દરમિયાન વાલીઓ પણ ટયુશન કલાસ માં પહોંચી આવ્યા હતા.

દરમ્યાન ૫૧ જેટલા વિદ્યાર્થીઓને અઢી કલાક વાંક ગુના વગર ગોંધી રાખીને શિક્ષણ વિભાગ, પોલીસ અને વાલીઓ ને દોડાવનાર ટ્યુશનિયા શિક્ષકઙ્ગ હિમાંશુ બારોટ અને ટયુશન કલાસના સંચાલક ઋષિકેશ બારોટ ની ભુજ એ ડીવીઝન પોલીસે અટકાયત કરી ખાનગી ટયુશન કરાવવાનો અને ફરજમાં રૂકાવટ કરવા અંગેનો ગુનો નોંધ્યો હતો.તેમની સામે હવે વધુ કાયદાકીય કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાશે.(૨૧.૧૨)

 

(11:32 am IST)