News of Friday, 10th August 2018

શ્રાવણમાં સોમનાથ મંદિર ૨૦૦૦ LED ગોઠવાશે

મંદિરને જબરદસ્ત આકર્ષણોથી શણગારાશે : સમગ્ર મંદિર સંકુલમાં છ કરોડથી વધુના ખર્ચે લાઇટીંગ બ્યુટિફિકેશન કરવામાં આવશે : શ્રદ્ધાળુમાં વધુ આકર્ષણ

અમદાવાદ, તા.૯ : દ્વાદશ જ્યોર્તિલિંગમાં પહેલું સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસની શરૂઆતથી જ ૨૦૦૦ થી વધુ એલઈડી લાઈટની રોશનીથી ઝળહળી ઊઠશે. જેની તૈયારીના ભાગરૂપે હાલ મંદિરને રંગબેરંગી એલઈડીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે. જેટલી પણ કામગીરી થઈ છે તેનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે. આ વખતે શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મહાદેવ મંદિરને જબદસ્ત આકર્ષણોથી શણગારવામાં આવશે, જે દેશ અને દુનિયાના લોકોનું ધ્યાન ખેંચે તે પ્રકારે આકર્ષણ જમાવશે. સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં હાલ લગાવાયેલી આકર્ષક એલઇડી લાઇટો હાલ ૪૫ મિનિટ સુધી રાત્રે ચાલુ રાખી પ્રાયોગિક ધોરણે તેનું નિદર્શન થઇ રહ્યું છે અને તેના આકર્ષણ પર હાલ તંત્ર દ્વારા નજર રખાઇ રહી છે. સમગ્ર પ્રોજેકટ પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિરમાં બે હજારથી વધુ એલઇડી લાઇટોથી સોમનાથ મહાદેવ મંદિર ઝળહળશે અને મંદિરનું અનોખુ આકર્ષણ જોઇ ખુદ સોમનાથ દાદાના લાખો શ્રધ્ધાળુ ભકતો પણ દંગ રહી જશે. છેલ્લા ચાર મહિનાથી આ પ્રોજેકટ સંબંધી કામગીરી ચાલી રહી છે. મુખ્ય પ્રવેશદ્વારને પણ રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવી રહ્યું છે. આશરે કુલ ૬ કરોડથી પણ વધુનો ખર્ચ સોમનાથ મહાદેવ મંદિર પરિસરના લાઈટિંગ બ્યુટીફિકેશન માટે થશે. સાથે સાથે મંદિર ફરતે ૧૪૦૦ એલઈડી ફિક્ચર્સ અને ૬૦૦ હાઈ એલઈડી લાગી રહી છે. નાના નાના હજારો બલ્બથી મંદિરનાં પગથિયાંથી ૧૫૧ ફૂટની ઊંચાઈ ધરાવતા ઊંચા શિખર સુધી અદ્ભુત વિવિધ રંગ જોવા મળશે. રાષ્ટ્રપતિ ભવન-દિલ્હી અને ગેટવે ઓફ ઈન્ડિયા-મુંબઈ સહિત દેશનાં જાણીતાં સ્થળોએ આ પ્રકારે રોશની કરવામાં આવી છે. હાલ મંદિર પરિસરમાં રોજ  આ લાઇટીંગ વ્યવસ્થાનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. રંગબેરંગી ઝળહળતી આકર્ષક લાઇટોની રોશની જોઈનેયાત્રિકો-ભકતો દંગ રહી જશે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે મંદિરમાં હાલમાં લાઇટ ફિટિંગની કામગીરી ચાલુ છે. મંદિરનો મુખ્ય ગેટ-શંખ સર્કલ પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે. આ કામગીરી ઝડપભેર શ્રાવણ માસશરૂ થતાં પૂર્વે પૂર્ણ કરાશે. ત્યારબાદ વિધિવત્ તેનું લોન્ચિંગ કરાશે. સોમનાથ મહાદેવ મંદિરના આ નવા આકર્ષણો શ્રધ્ધાળુ ભકતોની ધાર્મિક આસ્થામાં ઉમેરો કરશે.

(7:41 pm IST)
  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST