Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

વેદાંત આચાર્ય : ૧૨ વર્ષની વયે સન્યાસ ધારણ, ૩૦ વર્ષથી પરિવારજનોને મળ્યા નથી

સંસ્કૃતમાં વેદાંત આચાર્યમાં ૩ ગોલ્ડ મેડલ મેળવનાર સાધુની કહાની

જૂનાગઢ તા.૧૦ : ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો યોજાઇ રહ્યો છે. આ મેળામાં અનેક સાધુઓ આવેલા છે. દરમિયાન સંસ્કૃતમાં વેદાંત આચાર્યના અભ્યાસમાં ૩ ગોલ્ડ મેડલ મેળવનાર અને ધર્મના પ્રચાર,પ્રસાર માટે ૮ દેશોમાં પરિભ્રમણ કરનાર સાધુની પણ ઉપસ્થિતી રહી છે. આ સાધુનુ વર્તમાન નામ છે. ઋષિભારતીબાપુ મુળ ખાંભા તાલુકાના કોદીયા ગામે ૧૯૮૩માં જન્મેલા અને પુર્વાશ્રયમાં સરજુદાસ નામ ધરાવતા આ સંતે જન્મભૂમિમાં ૩ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.

બાદમાં ૧૯૯૧ થી ૧૯૯૫ સુરત ગુરૂકુલમાં અને બાદમાં અમદાવાદમાં આચાર્ય સંસ્કૃતમાં અભ્યાસ કર્યો છે. દરમિયાન સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા લેવાતી વેદાંત આચાર્યના અભ્યાસમાં ૩ ગોલ્ડમેડલ મેળવ્યા છે. તેમણે સુરત ગુરૂકુળમાં ૧૨માં વર્ષે બ્રહ્મચારીની અને વરદાચાર્યજી પાસેથી વિદ્યાદિક્ષા લીધી હતી. તેના ગુરૂ હરિહરાનંદજી છે જયારે દાદાગુરૂ મહામંડલેશ્વર ભારતીબાપુ છે. ૨૦૧૦માં હરિદ્વારમાં કુંભના મેળામાં વિજયા સંસ્કાર ધારણ કર્યા હતા. ઋષિભારતી બાપુએ જણાવ્યું હતુ કે, ૩૦ વર્ષથી પરિવારજનોને મળ્યો નથી. અભ્યાસપુર્ણ થયા બાદ ગુરૂ દક્ષિણા આપવા ગયા ત્યારે ગુરૂએ જણાવ્યું હતુ કે, જે વિદ્યા ભણ્યો છે તે સનાતન ધર્મ અને રાષ્ટ્રની રક્ષાના કામમાં વાપરજે. આ મારી ગુરૂદક્ષિણા છે.

૮ દેશમાં પરિભ્રમણ સનાતન ધર્મના પ્રચાર, પ્રસાર માટે યુકે, યુએઇ, ઓમાન, સિંગાપુર, મોરેશિયસ, થાઇલેન્ડ, નેપાલ સહિતના ૮ દેશોમાં પરિભ્રમણ કર્યુ છે અને પ્રવચનો દ્વારા સનાતન ધર્મથી લોકોને પરિચિત કરાવ્યા છે. જયારે સ્વામિ વિવેકાનંદે કહ્યુ હતુ કે, ગર્વસે કહો હમ હિન્દુ હૈ આ ગમતી વિચાર ધારા છે. જયારે વિજ્ઞાન, પ્રકૃતિ, વેદ, ઉપનિષદોનું વાંચન અને પ્રવાસ ગમતા વિષયો છે.

(11:26 am IST)