Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

દસાડામાં દલિત સમાજે હાઇવે પર નનામી મૂકી ચક્કાજામ કર્યો

ટીડીઓની સુચનાથી સર્કલ ઓફિસરે બાહેંધરી આપતા અંતે આંદોલન સમેટાયું: સ્મશાનની જગ્યા, ગટર અને રસ્તાના પ્રશ્નોના ઉકેલાતા રોષ

વઢવાણ, તા.૧૦: દસાડામાં દલિત સમાજે એમના સ્મશાનમાં જગ્યા, ગટર અને રસ્તાના પ્રશ્ને આજે એક વૃધ્ધાની નનામીને હાઇવે પર મૂકી બન્ને બાજુથી હાઇવે ચક્કાજામ કર્યો હતો. આથી પોલિસ અને તાલુકા પંચાયતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડવા મથ્યાં હતા. અતે ટીડીઓની સુચનાથી સર્કલ ઓફિસરે સ્મશાનના કામોની લેખીત બાયેંધરી આપતા અંતે આંદોલન સમેટાતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

દસાડામાં દલિત સમાજના સ્મશાનમાં જગ્યાના અભાવે લાશની દફનવિધિ કરવી જ સમાજ માટે અશકય બની હતી. આ સિવાય દસાડા ગ્રામ પંચાયત દ્વારા દલિત સમાજના સ્મશાનમાંથી જ ગટર લાઇન કઢાતા રોસે ભરાયેલા દલિત સમાજે તંત્રને આ તમામ પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી હવે જો સમાજમાં કોઇનુ મૃત્યુ પામશે તો તેઓ દફનવિધિ નહીં કરીએ એવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

દસાડા દલિત સમાજમાં એક વૃધ્ધાનું અકાળે અવસાન થતા સ્મશાનના પ્રશ્ને રોસે ભરાયેલા દલિત સમાજના લોકોએ વૃધ્ધાની નનામીને હાઇવે પર મુકી હાઇવે ચક્કાજામ કરાતા મહેસાણા-સુરેન્દ્રનગરના આ હાઇવે પર દસાડાની બન્ને બાજુ ત્રણથી ચાર કિ.મી.વાહનોની લાંબી કતારો લાગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ દ્યટનાની જાણ થતાં દસાડા પીએસઆઇ જે.જે.ચૌહાણ સહિતનો પોલિસ સ્ટાફ અને સર્કલ ઓફિસર તુષારપુરી ગૌસ્વામી સહિત તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

એમણે દલિત સમાજ સાથે વાટાઘાટો કરવા છતા દલિત સમાજના આગેવાનો ટસના મસ થયા નહોતા. અંતે તાલુકા વિકાસ અધિકારી બી.એસ.એરવાડીયાની સુચનાથી સર્કલ ઓફિસર તુષારપુરી ગૌસ્વામીએ દસાડાના દલિત સમાજને સ્મશાનમાંથી બાવળ દૂર કરવાની સાથે, ગટર લાઇનની સફાઇ, સ્મશાન નિમ કરવા, હાઇવેથી સ્મશાન સુધીનો સીસી રોડ બનાવવા અને સ્મશાનના ખાડાઓ પુરવા અને ગ્રામ પંચાયત દ્વારા છોડવામાં આવતુ ગટરનું પાણી બંધ કરવા સહિતના વિવિધ કામોની બાયેંધરી આપતા અંતે દલિત સમાજે આંદોલન સમેટી લઇ વૃધ્ધાની નનામી ઉઠાવી લેતા બેથી ત્રણ કલાકની જહેમત બાદ હાઇવે પુનઃ ધમધમતો થયો હતો.

અમારા દલિત સમાજમાં લાશની અંતિમવિધી દફનાવીને કરવામાં આવે છે. પરંતુ હવે આ સ્મશાનમાં જગ્યાના અભાવે દફનવિધિ કરવી જ અશકય બની છે. આ સિવાય દસાડા ગ્રામ પંચાયત દ્વારા અમારા દલિત સમાજના સ્મશાનમાંથી જ ખુલ્લી ગટરલાઇન કાઢી છે. તેથી તીવ્ર દુર્ગંધના લીધે નાકે રૂમાલ રાખ્યા વગર સ્મશાનમાં જવુ જ અશકય છે. આ અંગે અનેકો રજૂઆત કરવા છતાં પ્રશ્નનો નિવેડો ન આવતા અમે આજે વૃધ્ધાની લાશને હાઇવે પર મુકી ચક્કાજામ કર્યો હતો.

બી.એચ.એરવાડીયા- તાલુકા વિકાસ અધિકારી- પાટડી દલિત સમાજની રજૂઆત બાદ એકાદ બે દિવસમાં જ સ્મશાનમાંથી જેસીબી વડે બાવળો દૂર કરવા સહિત નવુ નાળું મંજૂર કરવા સહિત ગટર લાઇનનો પ્રશ્ન ઉકેલી આપવામાં આવશે. અને સ્મશાનની જગ્યા નિમ કરવા કે બદલવા દરખાસ્ત કરવા માટેનું કહેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં દસાડા દલિત સમાજના સ્મશાનના તમામ પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવશે.

(3:42 pm IST)