Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મોરબીના ખાનપરમાં સ્‍મશાન વિવાદ મુદ્દે દલિત સમાજના લોકો મૃતદેહ સાથે કલેકટર કચેરીઅે પહોંચ્યાઃ સ્‍મશાન માટે જમીન ન ફાળવાય તો મૃતદેહને કચેરીમાં જ દફનાવવાની ચિમકી

મોરબીઃ ખાનપર ગામમાં સ્મશાન વિવાદ મામલે દલિત સમાજના લોકો આજે મૃતદેહને લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેથી કલેક્ટર કચેરી બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે ખાનપર ગામમાં છેલ્લા 5 વર્ષથી દલિત સમાજને સ્મશાનની જમીન ફાળવવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. જેનો ઉકેલ હજુ સુધી ન આવતા ગામ લોકમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જેથી તેઓ મૃતદેહની લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અને કચેરી બહાર ઉગ્ર વિરોધ કરીને બેસી ગયા હતા.  દલિત સમાજના લોકોએ  ચીમકી ઉચ્ચારી છે કે જો સ્મશાન માટેની જમીન ફાળવવામાં નહિં આવે તો મૃતદેહને અહીં જ દફનાવવામા આવશે. જેથી પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. અને સમગ્ર ઘટનાને કંટ્રોલમાં લીધી હતી.

ઉલ્લેખનિય છે કે 15 દિવસ પહેલા ખાનપર ગામનાં દલિત સમાજનાં લોકોએ કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી હતી. જમીનનો કબ્જો સોંપવામાં આવે તેવી માગ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી જમીન ફાળવવામાં આવી ન હતી. જેથી લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો હતો. હાલ તો કલેક્ટર કચેરી બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે કોર્ટ દ્વારા તો જમીન ફાળવવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી જમીન ફાળવવામાં આવી ન હતી.

(5:54 pm IST)