Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

એક, બે નહિં પણ કચ્છના અલગ અલગ એસટી ડેપોમાં ૩૮ બોમ્બ !!! ISISની ધમકીના પત્રે કચ્છને માથે લીધું !!!

ભુજ તા.૧૦: ભુજના એસટી બસ ડેપો માં ૮ બોમ્બ રખાયા છે અને  તેને ઉડાવી દેવાશે એવા અજ્ઞાત શખ્સ ના પત્રની આઇએસઆઇએસ ના નામે અપાયેલી ધમકી ના પગલે ભુજમાં થયેલી દોડધામ હજી શમે તે પહેલા જ અજાણ્યા શખ્સે કચ્છના અલગ અલગ એસટી ડેપો ભુજ ઉપરાંત મુંદરા, નખત્રાણા, અંજાર, ભચાઉ અને રાપર સહિતના અન્ય ડેપોમાં કુલ ૩૮ બોમ્બ રખાયા છે અને તમામ ને પોતે હવામાં ફોર્મ્યુલા દ્વારા બોમ્બ ધડાકા કરી ઉડાડી દેશે એવી ચીમકી એ સમગ્ર કચ્છ ને માથે લીધુ હતું.

ગઇકાલે સવાર થી રાત સુધી તમામ એસટી ડેપોમાં પોલીસ તપાસનો ધમધમાટ રહ્યો હતો. અફડાતફડી ભર્યા માહોલ વચ્ચે પ્રવાસીઓ માં પણ ચિંતા અને ગભરાટ જોવા મળ્યો હતો જો કે, અજ્ઞાત શખ્સ ના પત્રમાં ભચાઉ ના મેડીકલ ઓફીસરનું નામ હોઇ પોલીસ ભચાઉ પહોંચી હતી પરંતુ સમગ્ર તપાસ બાદ કયાંયે બોમ્બનું નામ નિશાન ન મળતા હાશકારો લીધો હતો.

આઇએસઆઇએસ ના નામે પત્ર લખનારે એવો દાવો કર્યો હતો કે પોતે આઇએસઆઇએસ નો કચ્છ નો નેતા છે અને કચ્છનું નેટવર્ક ચલાવે છે. આ સમગ્ર ઘટના અને પત્રને ગંભીરતાથી લઇ કચ્છ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)