Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ઘરનું પાણી ઘરમાં..જામનગરમાં જળ સંચય યોજનાની જાણકારી પ્રસરાવાશે

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટે ઝડપ્યુ બીડુ : લોકસંપર્ક સાથે દર રવિવારે જાહેર સ્થળોએ પ્રદર્શન

જામનગર તા. ૧૦ : અહીયા ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ૩૦૦૦ વંચિત બાળકોને દત્તક લેવાના લક્ષ્ય સાથે આગળ વધતી અને હાલ ૫૫૦ વંચિત ભિક્ષુક, કચરો વિણતા બાળ મજુર, શાળા બહારના તેમજ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને દત્તક લઇને ૧૫ હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર દ્વારા ૧૫ પછાત વિસ્તારોમાં ૩૬૫ દિવસ માટે ઉત્તમ શિક્ષણ, પૌષ્ટિક ખોરાક અને સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત છે. ઉપરાંત મહિલા સશકિતકરણ, રોજગાર, પર્યાવરણ, આરોગ્ય અને સ્વચ્છતા અને સેનીટેશન અંતર્ગત યુવાઓ અને મહિલાઓ સાથે પણ વિવિધ પ્રવૃતિઓ કરેલ છે.

એવી જ રીતે જળસંચય યોજના અંતર્ગત ઘરનું પાણી ઘરમાં રહે તે ઉદ્દેશથી વરસાદનું પાણી કે ચોમાસામાં ઘરની અગાશીમાં પડે છે તે વેડફાય ન જાય અને સીધુ બોરમાં અથવા ભુગર્ભ ટાંકામાં સંચય થાય એવા ઉમદા ઉદ્દેશથી ઘરે ઘરે અને કોમર્શિયલ કોમ્પલેક્ષ કે ટેનામેન્ટ, સરકારી મકાનો, સ્કુલ, કોલેજ અને વિવિધ કચેરીઓ ખાતે લોકસંપર્ક કરીને યોજના વિશે સમજાવવામાં આવશે. સાથે સાથે બોર રિચાર્જ અને ભુગર્ભ ટાકો કેમ ચોમાસામાં ભરી શકાય ? તે સમજાવીને તેમનુ રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, બીજા તબકકામાં કડીયા અને પ્લમ્બરની ટીમ આવીને સમગ્ર પાઇપ ફીટીંગ દ્વારા બોર રિચાર્જ અને ભુગર્ભ ટાંકા ચોમાસામાં ભરાય જાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એવી જ રીતે દર રવિવારે જાહેર સ્થળો ઉપર ફલેક્ષ બેનર દ્વારા પ્રદર્શન ગોઠવીને લોકોમાં બોર રીચાર્જ અને ભુગર્ભ ટાંકો ચોમાસામાં ભરાય જાય તે માટે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ હાથ ધરવાનું આયોજન છે. વિશેષ વિગતો માટે ડો.નિરંજન પંડયા અને હિતેશ પંડયાનો (મો. ૯૪૨૮૯ ૮૬૦૨૬, ૭૪૦૫૭ ૭૫૭૫૭) ઉપર સંપર્ક સાધવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(11:29 am IST)