Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

કાલે ગોંડલમાં પૂ. હરીચરણદાસજી મહારાજનો પ્રાગટય દિન ઉજવાશે

સદ્ગુરૂ પૂ. રણછોડદાસજી આશ્રમ - શ્રી રામજી મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે

ગોંડલ તા. ૧૦ : દેશ વિદેશમાં હજારો અનુયાયીઓ ધરાવતાં ગોંડલનાં સંત મહામંડલેશ્રર ૧૦૦૦૮ પુ.ગુરુદેવ હરીચરણદાસજી મહારાજનો આવતીકાલ ગુરૂવારનાં ૯૭ મો પ્રાગટ્ય દિન હોય સેવકગણ તથાં ભાવિકોમાં અનેરો ઉત્સાહ પ્રવતી રહ્યો છે.

ગોંડલ ખાતે પ્રસિધ્ધ સદગુરુ રણછોડદાસજી આશ્રમ રામજી મંદીરે પુ.હરીચરણદાસજી મહારાજના જન્મદિન પ્રસંગે આવતીકાલ સવારે પ્રાંત મુહુર્તે પુ.હરીચરણદાસજી બાપુ દ્વારા સદગુરુદેવ પુ.રણછોડદાસજી બાપુ ની પ્રતિમા નું પુજન કરાશે.બાદમાં પુ.હરીચરણદાસજી બાપુ દ્વારા ભકતગણને આર્શિવચન અપાશે. બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

હાલ રામજી મંદીર ખાતે રામચરિત માનસ સમુહ પાઠનું આયોજન ચાલું છે. જેમાં રોજીંદા હજારો ભકતજનો લાભ લઇ ભકિતમય ધન્યતા અનુભવી રહ્યા છે. પુ.બાપુનાં પ્રાગટ્ય દિન નિમિત્તે આજે સાંજથી આવતીકાલ સવાર સુધી અખંડ રામધુનનું આયોજન કરાયું છે.

પુ.હરીચરણદાસજી સને ૧૯૫૬માં ગોંડલ ખાતે પધારી રામજી મંદીર સદગુરૂ દેવ રણછોડદાસજી આશ્રમ ખાતે દરીદ્રનારાયણ માટે અન્નક્ષેત્ર શરૂ કરી અલખની આરાધના સાથે સેવાની ધુણી ધખાવી હતી.

આધુનિક આશ્રમને બદલે તેમણે ગરીબ લોકોને તબીબી સારવાર મળી રહે તેવાં માનવતાલક્ષી અભિગમથી વર્ષ ૨૦૦૪માં માનવ મંદિર સમાં શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલનું નિર્માણ કર્યુ હતું. જેનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે થવાં પામ્યું હતું. આજે અનેક તબીબી સેવાની ઉપલબ્ધી ધરાવતી આ હોસ્પિટલ ખરાં અર્થ માં આશિર્વાદરૂપ બની રહી છે.

રામજી મંદિર ખાતે પુ.બાપુ ની નિશ્રામાં રોજીંદા ધાર્મીક કાર્યકર્મો સાથે અન્નક્ષેત્ર કાર્યરત છે.

(12:01 pm IST)