Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સ્પા કર્મચારી યુવતિને પેટમાં દુઃખાવો ઉપડ્યોઃ સારવારમાં રાજકોટ લાવતાં સગર્ભા હોવાનું ખુલ્યું

અગાઉ રાજસ્થાનના રિસોર્ટમાં કામ કરતી ત્યારે સાથી કર્મી બિહારી યુવાન સાથે પ્રેમ થતાં તેના થકી સગર્ભા થયાનું કહ્યું: મોરબી પોલીસે નિવેદન નોંધ્યું: યુવતિએ બધુ સહમતિથી થયાનું કહી ફરિયાદ ન નોંધાવી

રાજકોટ તા. ૧૦: મોરબીના એક સ્પામાં ચાર દિવસ પહેલા જ આવેલી મુળ મિઝોરમની યુવતિને ગઇકાલે પેટમાં દુઃખાવો ઉપડતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ તબિબી તપાસમાં તેણી સગર્ભા હોવાનું ખુલ્યું હતું. જો કે ગર્ભાશયની બહાર ગર્ભ વિકસતી થયો હોઇ તાકીદે ઓપરેશન હાથ ધરાયું હતું. મોરબી પોલીસની તપાસમાં યુવતિએ રાજસ્થાનમાં પ્રેમી થકી સગર્ભા બન્યાનું કહી ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કરી દીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગત સાંજે એક યુવતિને મોરબીથી રાજકોટ પેટના દુઃખાવા સાથે ખસેડાતાં તેણીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબિબોની તપાસમાં તેણી સગર્ભા હોવાનું ખુલતાં પોલીસ કેસ જાહેર કરવામાં આવતાં આ અંગે મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવતિને પહેલા મોરબીની બે હોસ્પિટલમાં સારવાર અપાવી હતી અને બાદમાં રાજકોટ ખસેડાઇ હતી.

મોરબીના પીએસઆઇ શુકલા, ઇમ્તિયાઝભાઇ સહિતની ટીમ તાકીદે રાજકોટ પહોંચી હતી અને યુવતિનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. તેણીએ કહ્યું હતું કે પોતે અગાઉ રાજસ્થાનના એક રિસોર્ટમાં  આવેલા સ્પામાં નોકરી કરતી હતી. ત્યાં સાથે એક બિહારી યુવાન કામ કરતો હોઇ તેની સાથે પ્રેમ થઇ જતાં બંને સાથે રહેતાં હતાં. પોતે તેના થકી સગર્ભા થયાનું પણ કહ્યું હતું. તેમજ સહમતિથી બધુ થયું હોઇ પોતાને કોઇપણ ફરિયાદ નહિ હોવાનું કહેતાં મોરબી પોલીસે બનાવ રાજસ્થાનની હદમાં બન્યો હોઇ નિવેદન ત્યાં નોંધવા તજવીજ કરી હતી. તબિબોની તપાસમાં આ યુવતિને ગર્ભનો વિકાસ જ્યાં થવો જોઇએ તેના બદલે બીજે થઇ રહ્યો હોવાનું જણાતાં અને જોખમ જણાતાં રાતે જ ઓપરેશન હાથ ધરાયું હતું. યુવતિ અગાઉ રાજકોટ અને વડોદરા સ્પામાં પણ કામ કરી ચુકી હોવાનું તેની બહેનપણીઓએ કહ્યું હતું.

(11:44 am IST)