Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વિદેશ વસતા કચ્છીઓનો વતન અને દેશપ્રેમ અનેરોઃ વિજયભાઈ રૂપાણી

બિનનિવાસી ભારતીયોને ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા આહવાનઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વિદેશ વસતા ઉદ્યોગપતિઓની મૂલાકાત બેઠક યોજાઇ

 ભુજ, તા.૯,:  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની કચ્છની બે દિવસની મૂલાકાતના આજના બીજા દિવસે ઉમેદભુવન, ભુજ ખાતે યુ.કે., કેન્યા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા, નૈરોબી સમાજના બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની મૂલાકાત બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હિંમત અને સાહસ સાથે ઇમાનદારીથી કામ કરતાં કરતાં ભારતની પ્રતિષ્ઠ, વતનની પ્રતિષ્ઠા વધારી છે, તે બદલ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવી વિદેશ વસતાં કચ્છીઓનો વતનપ્રેમ વખાણ્યો હતો અને વતન અને દેશના વિકાસમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.

વર્ષોથી વિદેશ સ્થાઇ થયેલા બિનનિવાસી ભારતીય ઉદ્યોગ સાહસિકો દ્વારા વતનના લોકોને પડતી મુશ્કેલીઓમાં આર્થિક યોગદાન કચ્છને પ્રાપ્ત થાય છે, તે રીતે ગુજરાતમાં માળખાકીય સુવિધાના કામો, ઉદ્યોગો, આરોગ્ય સેવાઓ, ઉર્જા જેવા મહત્વના ક્ષેત્રોમાં આગળ આવી મૂડીરોકાણ કરવા આહવાન કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હેલ્થ સેકટરમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય ઝોક દેશના લોકો સ્વસ્થ હશે તો વિકાસ સારી રીતે કરી શકીશું તેવો હોવાનો ઉલ્લેખ કરી ગુજરાતમાં શરૂ કરાયેલ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે ૨૭ હજાર મોટાં ઓપરેશન કરાયા હોવાનું જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છમાં પીવાના પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બનાવી દેવાયો છે, તેમ જણાવી કચ્છમાં નર્મદા કેનાલના કામો પણ હવે અંતિમ તબકકામાં હોવાનું ઉમેર્યું હતું. કચ્છમાં ડીસેલિનેશન પ્લાન્ટ મંજૂર કરાયાં હોવાનું જણાવી દૈનિક દસ કરોડ લીટર દરિયાના ખારા પાણીને મીઠાં કરવાના સમગ્ર આયોજન અંગે, કચ્છ જિલ્લામાં દુષ્કાળ દરમિયાન ૧૦૦ કરોડ કીલો દ્યાસ વલસાડ અને મુંબઇથી મંગાવવા સાથે રૂ.૭૦૦ કરોડનો ખર્ચ કરી, એક પણ પશુનું મૃત્યુ ન થાય તેની કાળજી લેવાવા ઉપરાંત બન્નીમાં મોટા પાયે કલસ્ટર ઉપર દ્યાસ ઉગાડવાનું સમગ્ર આયોજન અને કચ્છના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ધોરડો, ભુજીયા ડુંગર, કાળો ડુંગરના વિકાસનો ચિતાર આપ્યો હતો.

આ પ્રસંગે બિન નિવાસી ભારતીયોના પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સમગ્ર દેશ અને ગુજરાતમાં માળખાકીય સુવિધા સહિતના વિકાસ કાર્યો બદલ આનંદ અને સંતોષની લાગણીપ્રગટ કરી હતી. આ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ કચ્છમાં આંતર રાષ્ટ્રીય હવાઇ સુવિધા વિકસાવવા, કાર્ગો સુવિધાનું ફલક વિસ્તારવા પણ લાગણી વ્યકત કરાઇ હતી. આફ્રિકામાં સ્થાયી થયેલા એન.આર.આઇ. પ્રતિનિધઓ દ્વારા આફ્રિકાના ૩૦ દેશોમાં મગ, ચણા, તુવેર જેવા કઠોળ ખેતીના પ્રોજેકટ સ્થાપવાની ખૂબ શકયતાઓ હોવાનું જણાવી ભારત સરકાર દ્વારા કેન્યામાં જેમ આયુર્વેદ ઉત્પાદનો કરવા સહયોગ અપાયો હોવાની જાણકારી પણ અપાઇ હતી.આ બેઠકમાં ગુજરાત રાજય બિનઅનામત વર્ગ આયોગના અધ્યક્ષ શ્રી હંસરાજભાઈ ગજેરા, શ્રી ગોરધનભાઈ ઝડફીયા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા ભાજપના પૂર્વાધ્યાક્ષ શ્રી દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ. નાગરાજન સહિત લેઉવા પટેલ સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠકના પ્રારંભે અરજણભાઇ પિંડોરીયા અને પ્રવિણભાઇ પિંડોરીયાએ બિન નિવાસી ભારતીયોનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પરિચય આપ્યો હતો.

(12:04 pm IST)