Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સરધાર-ખારચીયા વચ્ચે ટ્રીપલ અકસ્માતઃ મોટા દડવાના દેવીપૂજક દંપતિનું મોતઃ પાંચને ઇજા

રાજકોટ રવિવારી બજારમાં ખરીદી કરવા આવતી વેળાએ પતિ-પત્નિને કાળ ભેટતાં પરિવારમાં કલ્પાંત : છકડો રિક્ષાને પાછળથી કારના ચાલકે ઠોકરે ચડાવીઃ રિક્ષાની ઠોકરે બાઇક ચડ્યું: રિક્ષા ચાલક નકુભાઇ ઉધરેજીયા અને તેના પત્નિ સોનલબેનનું મોતઃ બે પુત્રો, સાળીને ઇજાઃ બાઇકસ્વાર બે લોકો પણ ઘવાયા

તસ્વીરમાં ત્રણેય અકસ્માતગ્રસ્ત વાહનો કાર, છકડો રિક્ષા અને બાઇક જોઇ શકાય છે. પીએસઆઇ આર. વી. કડછાએ પંચનામા વખતે આ તસ્વીરો લીધી હતી

રાજકોટ તા.૯: સરધાર પાસે ટ્રીપલ અકસ્માતમાં છકડામાં બેઠેલા ગોંડલના મોટા દડવાના દેવીપૂજક દંપતિ સહિત પાંચને ઇજા થઇ હતી. જેમાં પતિ-પત્નિના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. રવિવારી બજારમાં ખરીદી કરવા આવી રહેલા દેવીપૂજક પરિવારની છકડો રિક્ષાને પાછળથી કારના ચાલકે ઠોકરે લેતાં રિક્ષા પલ્ટી મારી ગઇ હતી અને એક બાઇક આ રિક્ષાની ઠોકરે ચડી જતાં ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. બાઇક સ્વાર બે ભાઇઓને પણ ઇજા પહોંચી હતી.  દેવીપૂજક ભાઇઓએ માતા-પિતા બંનેને ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલના મોટા દડવા ગામે રહેતાં અને શાકભાજીનો ધંધો કરવા ઉપરાંત છકડાના ફેરા કરતાં દેવીપૂજક નકુભાઇ મશરૂભાઇ ઉધરેજીયા (ઉ.૫૨) રવિવારે પોતાની છકડો રિક્ષામાં પત્નિ સોનલબેન (સનુબેન) (ઉ.૪૮), સાળી ભાનુબેન તથા બે પુત્રો સુનિલ (ઉ.૨૧) તથા ચિરાગ (ઉ.૧૫)ને બેસાડી રાજકોટ રવિવારી બજારમાં ખરીદી કરવા આવી રહ્યા હતાં ત્યારે સરધાર-ખારચીયા નજીક છકડો રિક્ષાને પાછળની કારના ચાલકે ઠોકરે લેતાં રિક્ષા પલ્ટી ખાઇ આગળના બાઇક સાથે અથડાતાં ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડો ચાલક નકુભાઇ અને તેના પત્નિ સોનલબેનના ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યા હતાં. જ્યારે સાથેના ત્રણને તથા બાઇક સ્વાર બે લોકોને ઇજા થઇ હતી.

આ ટ્રીપલ અકસ્માત અંગે અંગે આજીડેમ પોલીસે મૃત્યુ પામનાર ગોંડલના મોટા દડવા ગામના દેવીપૂજક દંપતિના પુત્ર સુનિલ નકુભાઇ ઉધરેજીયા (દેવીપૂજક) (ઉ.૨૧)ની ફરિયાદ પરથી કાર નં. જીજે૦૩એફડી-૬૩૧૫ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

સુનિલ ઉધરેજીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહુ છું અને શાકભાજીનો ધંધો કરુ છું. અમારી પાસે છકડો રિક્ષા જીજે૦૩બીટી-૫૮૬૩ છે, જે મારા પિતાજી નકુભાઇના નામની છે. રવિવારે સવારે દસેક વાગ્યે હું મારો ભાઇ ચિરાગ માતા સોનલબેન (સનુબેન),  મારા માસી ભાનુબેન એમ બધા મારા પિતા નકુભાઇની છકડો રિક્ષામાં બેસી રાજકોટ રવિવારી બજારમાં ખરીદી કરવા જવા ઘરેથી નીકળ્યા હતાં.

રિક્ષા મારા પિતાજી નકુભાઇ ચલાવતાં હતાં. અમે બધા પાછળ બેઠા હતાં. સરધાર અને લાખાપર વચ્ચે શ્રી રામ ભરડીયા પાસે અમે પહોંચ્યા ત્યારે પાછળથી એક કારવાળાએ અમારી રિક્ષા પાછળ અકસ્માત કરતાં અમારી રિક્ષા પલ્ટી મારી ગઇ હતી અને અમને બધાને નાની-મોટી ઇજા થઇ હતી. અમારી રિક્ષાની પાછળથી કારની જોરદાર ટક્કર લાગતાં અમારી રિક્ષા પલ્ટી મારી ત્યારે સામેથી આવી રહેલું એક બાઇક પણ ઠોકરે ચડતાં બાઇકસ્વાર બે ભાઇઓને પણ ઇજા થઇ હતી.

અકસ્માત બાદ કાર ઉભી રહી ગઇ હતી. લોકો ભેગા થઇ જતાં કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. અમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. અહિ સારવાર દરમિયાન મારા પિતાનું મોત નિપજ્યું હતું. એ પછી સાંજે મારા માતાએ પણ દમ તોડી દીધો હતો.

અકસ્માત સર્જી ચાલક કાર મુકીને જતો રહ્યો હતો. ૧૦૮ના ઇએમટી રાહુલભાઇ કુબાવત અને પાઇલોટ રામભાઇ ખાંભલાએ ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતાં. બનાવની જાણ થતાં આજીડેમના પીએસઆઇ આર. વી. કડછા, આર. જે. જાડેજા, જનકસિંહ, કિરીટભાઇ રામાવત સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:56 am IST)