Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

જુનાગઢ-માણાવદર-જેતપુરમાં વરસાદના અમી છાંટણા

ધીમે-ધીમે ચોમાસાના આગમનનાં એંધાણઃ વાદળાનું પ્રમાણ વધ્યું

રાજકોટ તા.૯:  રાજકોટ સહિત સોેરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થાય તેવું વાતાવરણ છવાઇ રહયું છે. આજે વહેલી સવારથી સર્વત્ર વાદળાનું પ્રમાણ વધ્યું છે. આવા વાતાવરણ વચ્ચે કાલે રાત્રીના જુનાગઢ, માણાવદર, જેતપુર, વેરાવળમાં વરસાદનાં અમી છાંટણા પડયા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.આજે સવારથી રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં વાદળાનું પ્રમાણ વધ્યું છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢ, માણાવદર સહિતના વિસ્તારોમાં મોડીરાત્રે વરસાદનું આગમન થયું હતું આજે બીજા દિવસે પણ સવારથી વરસાદી વાતાવરણ જોવા મળે છે.

૪૦ ડિગ્રી તાપમાન બાદ શનિવારની મોડી રાત્રે અચાનક જ જુનાગઢ શહેરમાં મેઘરાજાએ એન્ટ્રી મારી હતી આ જ પ્રમાણે માણાવદર પંથકમાં પણ રાત્રિના મેઘરાજાનું આગમન થયું હતું જેના પરિણામે રાત્રીના અગાસી ઉપર ઊંઘ માણતા લોકોને જાગી જવું પડયું હતું.

આજે સવારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહયું છે. વાતાવરણમાં ઠંડક ની સાથે બફારો પણ થઇ રહયો હોવાથી લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા છે. જો કે રાત્રે મેઘરાજાની પધરામણી થી ટૂંક સમયમાં જ મેઘરાજાનું આગમન થાય તેવી શકયતા જોવાઇ રહી છે.

જેતપુર

જેતપુરઃ શહેરમાં કાલે રાત્રીનાં જેતપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા.

અમરેલી

અમરેલી : હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી તા. ૧૨ જુન-૨૦૧૮ દરમ્યાન સોૈરાષ્ટ્રમાં પવન અને ગાજવીજ સાથે ઝાપટા પડવાની અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આથી અમરેલી જિલ્લામાં કન્ટીજન્સી એકશન પ્લાન મુજબ સાવચેતીના તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓએ જિલ્લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવવા તેમજ અધિકારીઓને હેડકવાર્ટરમાં હાજર રહેવા કલેકટરશ્રી અમરેલીની યાદીમાં જણાવાયું છે. (૧.૮)

(11:52 am IST)