Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળીયુ હવામાનઃ ગરમીમાં ઘટાડો યથાવત

મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડોઃ હજુ ૧૩મી સુધી આવું જ વાતાવરણઃ બપોરે અસહ્ય ઉકળાટઃ હવામાન ખાતાની આગાહીઃ તા. ૧૩ - ૧૪ના દેશભરમાં અનેક રાજ્યોમાં આંધી - તોફાનની આગાહી : આકાશી ખતરો ટળ્યો નથી

રાજકોટ, તા. ૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળીયુ વાતાવરણ યથાવત છે અને ગરમીમાં ઘટાડો થતા લોકોને રાહત થઈ છે.

જો કે બપોરના સમયે બફારા સાથે અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહત્તમ તાપમાનનો પારો ૪૩ની જગ્યાએ ૪૧ ડિગ્રી આસપાસ સ્થિર થતા ગરમીમાં સામાન્ય રાહત અનુભવાઈ રહી છે.

આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળીયુ વાતાવરણ યથાવત છે.

રાજકોટ

ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા તરફથી જણાવવામાં આવે છે કે, ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના રાજકોટ જીલ્લામાં તા. ૯ થી ૧૩ હવામાન સુકુ, ગરમ અને સ્વચ્છ રહેશે. પવનની દિશા પશ્ચિમ અને વાયવ્યની રહેવાની અને પવનની ઝડપ ૧૬ થી ૧૯ કિ.મી.-કલાક રહેવાની શકયતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૪૧ - ૪૨ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન ૨૬ - ૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભવના છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરઃ જીલ્લામાં આગામી તા. ૯ થી ૧૩ હવામાન સુકુ, ગરમ અને સ્વચ્છ રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૨૦ થી ૨૨ કિ.મી. - કલાક રહેવાની શકયતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૪૧-૪૨ ડીગ્રી સેલ્શીયસ જેટલુ તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૬ - ૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલુ રહેવાની સંભાવના છે.

અમરેલી

અમરેલીઃ જીલ્લામાં તા. ૯ થી ૧૩ હવામાન સુકુ, ગરમ અને આંશિક વાદળછાંયુ રહેશે. પવનની દિશા પશ્ચિમ અને વાયવ્યની રહેવાની અને પવનની ઝડપ ૧૪ થી ૨૧ કી.મી.-કલાક રહેવાની શકયતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૪૨-૪૨ ડિગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન ૨૫ - ૨૫ ડીગ્રી સેલ્શીયસ જેટલુ રહેવાની સંભાવના છે.

જામનગર

જામનગરઃ જીલ્લામાં તા. ૯ થી ૧૩ હવામાન સુકુ, ગરમ અને આંશિક વાદળછાયુ રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૧૯ થી ૨૧ કિ.મી. - કલાક રહેવાની શકયતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમિયાન ૩૨-૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન ૨૭ - ૨૭ ડીગ્રી સેલ્શીયસ જેટલુ રહેવાની સંભાવના છે. શહેરનું તાપમાન ૩૬.૫ મહત્તમ, ૨૫.૫ લઘુતમ, ૮૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૨.૨૧ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં ગરમીમાં ૩ ડિગ્રીનો ઘટાડો થવા છતા બફારો - ઉકળાટ યથાવત રહ્યો હતો.

ગોહિલવાડ પંથકમાં મહત્તમ તાપમાનમાં ૩ ડીગ્રીનો ઘટાડો થતા ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૧ ડીગ્રીમાથી ઘટીને ૩૭.૦ ડીગ્રી નોંધાયુ હતું. આજે લઘુતમ તાપમાન ૨૫ ડીગ્રી રહ્યુ હતુ. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા અને પવનની ઝડપ ૨૫ કિ.મી. પ્રતિકલાકની રહી હતી. મહત્તમ તાપમાન ૩ ડીગ્રી ઘટવા છતા ભેજનું પ્રમાણ વધતા બફારો - ઉકળાટ યથાવત રહેતા લોકો હેરાન-પરેશાન થયા હતા. જો કે સાંજે અને રાત્રે ઠંડો પવન ફુંકાતા લોકોએ રાહત અનુભવી હતી.

જૂનાગઢમાં ધૂપછાંવ વચ્ચે ગરમી

જૂનાગઢઃ જૂનાગઢમાં ધૂપછાંવ વચ્ચે ગરમીનો સિલસિલો ચાલુ રહ્યો છે.

જૂનાગઢ સહિત સોરઠમાં સૂર્યનારાયણ થાકયા વગર સતત પ્રકોપ વરસાવી રહ્યા છે. મંગળવાર મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને ૪૦.૪ ડીગ્રીએ સ્થિર થયો હતો.

આજે પણ સવારે વાદળીયુ હવામાન રહ્યુ હતુ. લઘુતમ તાપમાન ૨૬.૬ ડીગ્રી નોંધાવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને પવનની ગતિ ૭.૬ કિ.મી.ની રહી હતી.

(11:50 am IST)