Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ઉના જન સેવા કેન્દ્રના કોમ્પ્યુટરાઇડ ડેટામાં પુરતી પછાત જાતિનો સમાવેશ કરવા માંગણી

ઉના તા. ૯ : સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં ભાડેલા મુસ્લીમ માછીમાર જાતિ દર્શાવી છે પરંતુ જનસેવા કેન્દ્રની કોમ્પ્યુટરાઇડ ડેટામાં આ જ્ઞાતિ દર્શાવી ન હોય જાતિ પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી નડતી હોવાનું નવાબંદર સમસ્ત ભાડેલા મુસ્લીમ માછીમાર સમાજે નાયબ કલેકટર મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલીને રજૂઆત કરી છે. જનસેવા કેન્દ્રની કોમ્પ્યુટરાઇડ ડેટામાં ભાડેલા મુસ્લીમ માછીમાર જ્ઞાતિનો વહેલીતકે સમાવેશ કરવા માંગણી ઉઠી છે.

ગીર - સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર ગામે જન્મજાતથી વસવાટ કરતા અને માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા દરિયાઇ સીમામાં દરિયો ખેડી આજીવીકા સાથે રોજીરોટી કમાતા પછાત અને શ્રમીક વર્ગની જ્ઞાતિ ધરાવતા ભાડેલા મુસ્લીમ સમાજના માછીમાર ગુજરાત રાજયના દરેક બંદરોના દરિયા કાંઠા પર વસવાટ કરે છે અને પોતાનું ગુજરાત માછીમારી કરી ચલાવે છે.

ભાડેલા જ્ઞાતિને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીના ક્રમ નં. ૩૭ ઉપર ખારવા, ભાડેલા જ્ઞાતિના ઇમસોને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું પ્રમાણપત્ર નિયમોનુસાર આપવાનું થાય છે અને તેની ભલામણ સેકશન અધિકારી સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ એમ.કે.સોનીએ તેમની કચેરીમાં ક્રમાંક સ.ક્ષ.પ ૧૧/૨૦૦૨/૪૨૨ તા. ૨૮-૩-૨૦૦૨ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રીને હુકમ કરેલ છે તથા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી જૂનાગઢના નં.શક વિજા ૨/૩૨૫૩ થી ૨૩૨૫૩ ના લેટરમાં પણ હુકમ કરેલ છે પણ હાલ તાલુકા કક્ષાએ આવેલા જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટરરાઇઝ સેન્ટરમાં ઓનલાઇન દાખલાની કોલમમાં ભાડેલા મુસ્લીમ સમાજનું નામ દાખલ ડેટા એન્ટ્રીમાં સમાવિષ્ટ કરેલ ન હોવાના કારણે દાખલા આપવામાં આવતા નથી. આ બાબતે અગાઉ પણ ઘણી રજૂઆત કરી છે. ભાડેલા જ્ઞાતિનો સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે.

(11:42 am IST)