Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જેતપુરમાં સાડીના કારખાનામાં ચોરી કરીને આગ ચાંપીને તસ્કરો પલાયન

મોટી નુકશાનીનો અંદાજઃ અન્ય કારખાનામાં ચોરીનો પ્રયાસઃ લોકો જાગી જતા ભાગી ગયા

જેતપુર, તા., ૮: શહેરમાં છેલ્લા ઘણા સમય પહેલા ચોરીના સતત બનાવો બનવા પામેલ જે બંધ થતા લોકોએ રાહતનો દમ લીધેલ પરંતુ ફરી છેલ્લા એકાદ માસથી છુટા છવાયા ચોરીના બનાવો બનવા શરૂ થયેલ હોય કોઇ તસ્કર ટોળકી સક્રિય થઇ હોવાનો અંદાજ લગાડાઇ રહયો છે.

જાણવા મળતી વિગત અનુસાર તાલુકાના પીઠડીયા ગામે રહેતા ચેતનભાઇ ગોંડલીયા કે જેઓ સરધારપુર રોડ પર કુલદીપ ડીઝાઇન નામનું સાડીની ડિઝાઇન બનાવવાનું કારખાનું ધરાવે છે. જેઓ તેના નિત્યક્રમ મુજબ ગુરૂવારના રોજ કારખાનુ બંધ કરી નીકળી ગયેલ બાદમાં વ્હેલી સવારે તેમને ફોન આવેલ કે તમારા કારખાનામાં આગ લાગી જેથી તેઓ તુરંત કારખાને આવીને જોતા આગની લપેટમાં બધુ બળીને ખાખ થઇ ગયેલ આ અંગે તપાસ કરતા તસ્કરોએ દીવાલ ટપી અંદર પ્રવેશી દારૂ પીધેલ ત્યાં કોથળીઓ પડી હતી. બાદમાં ટેબલના ખાનામાં રાખેલ મોબાઇલ તેમજ રોકડા રૂપીયાની ચોરી કરેલ અને કોઇ કારણોસર ત્યાં પડેલ સાડીના ઢગલામાં આગ ચાંપી દેતા કારખાનામાં રહેલ તમામ માલ, એસી, કોમ્પ્યુટર, ટીવી, ફર્નિચર સહીત બળીને ખાખ થઇ ગયેલ તેની બાજુમાં આવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા કોઇ ત્રણ શખ્સોએ દીવાલ ટપીને અંદર પ્રવેશ કર્યો હોવાનું જોવા મળેલ. આ શખ્સોએ કારખાનામાં આગ લગાડી એક એકટીવા મોટર સાયકલની ચોરી કરી અને બાજુમાં આવેલ ટેક્ષટાઇલ ડીઝાઇનના કારખામાં ચોરીનો પ્રયાસ કરતા તેના ડેલામાં ઘા મારતા ત્યાંના લોકો જાગી ગયેલ અને તેને પડકારતા નાસી છુટેલ. બાદમાં ત્યાં જોતા ચેતનભાઇના કારખાનામાં આગ લાગેલ હીત.

ચેતનભાઇએ એવું પણ જણાવેલ કે થોડા સમય પહેલા પણ ચોરી કરવાના ઇરાદો કોઇ અજાણ્યા શખ્સો રાત્રીના સમયે નીકળેલ પરંતુ લોકોએ પડકારતા નાસી છુટેલ. આ ચોરી અંગે પોલીસમાં જાણ કરેલ. પરંતુ આ લખાય છે ત્યાં સુધી પોલીસમાં કોઇ ફરીયાદ દાખલ કરવામાં આવેલ નથી.

(3:54 pm IST)