Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

૧૪ વર્ષનાં કોરોનાગ્રસ્ત સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યનો પ્રયાસ

ભાવનગરની ચકચારી ઘટના : ડોક્ટરના વેશમાં આવીને શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો : ઘટનાની તપાસની માગણી

ભાવનગર, ૦૮ :  શહેરમાં૪ જુલાઈનાં રોજ  એક કોરોના પોઝિટિવ સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના પ્રયાસની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. એક મહિલા તેનાં ૧૪ વર્ષનાં પુત્રને લઈ પોતાને પિતાને ત્યાં સુરતથી ભાવનગર આવી હતી. જેમાં માતા અને પુત્ર બંનેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સર.ટી. હોસ્પિટલનાં કેન્સર વિભાગ ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં. ૧૪ વર્ષીય પુત્રને થોડી રિકવરી આવતા તેને ત્યાંથી ખસેડીને ગર્લ્સ સમરસ હોસ્ટેલનાં એક રૃમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં આ કિશોર સાથે એક શખ્સે કોરોનાની સારવાર કરવાના બહાને માસ્ક પહેરી ડૉક્ટરનાં વેશમાં આવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની કોશિશ કરી હતી.

                   જેને કારણે તેની માતાએ આ ઘટનાને લઈ યોગ્ય તપાસની માંગ કરી છે. ભાવનગરમાં આવેલી ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં કોરોના પોઝિટિવ એક ૧૪ વર્ષીય કિશોર સાથે ડૉક્ટરનાં વેશમાં આવેલા એક શખ્સે કોરોનાની સારવારને બહાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની કોશિશ કરી હતી. આ શખ્સે તે કિશોરને ધમકાવી આ બાબતે કોઈને પણ કંઈ ન કહેવા જણાવ્યું હતું. પરંતુ સાંજે આ કિશોરે પોતાની માતાને આ બાબતે જાણ કરતા માતા હેબતાઈ ગઈ હતી. મહિલાએ આ અંગેની જાણ તાકીદે કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસ કંટ્રોલ પર બે દિવસ સુધી કોઈ ફોન ન ઉપાડતા અંતે વકીલ મારફતે આ ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેમનાં બાળક સાથે થયેલા સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય અંગે દોષિતને ઝડપી પાડવાની માતાએ તપાસની અને ન્યાયની માંગ કરી છે.

ધોળા દિવસે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જો કોઈ શખ્સ આ રીતે ખોટા ડૉક્ટરનાં વેશમાં આવીને સારવારને બહાને સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરે તે એક ગંભીર બાબત છે. અહીં CCTV કેમેરા છે પરંતુ તે શરૃ છે કે કેમ તે જોવું રહ્યું. આ ઘટનામાં બાળક તે શખ્સે માસ્ક પહેરેલું હોવાંથી તેને તે ઓળખી ના શક્યો. હવે આ ઘટનામાં પોલીસ કોઈ કાર્યવાહી કરે તેવી માગ  માતા દ્વારા કરવામાં આવી રહી છે.

(10:38 pm IST)