Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

સૌરાષ્ટ્રના નાના-મોટા પ૪ ડેમોમાં નવા નીરની આવક

રાજકોટ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ જીલ્લામાં વરસાદથી પાણીની પુષ્કળ આવક

ભાણવડ : તસ્વીરમાં ભાણવડ પંથકમાં ડેમ ઓવરફલો થયેલો નજરે  પડે છે. (તસ્વીર : ડી. કે. પરમાર - ભાણવડ)

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસતા નદી, નાળા, છલકાઇ ગયા છે અને અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે.

રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ જીલ્લાના અનેક ડેમોમાં પુષ્કળ નવા પાણીની આવક થઇ છે.

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહયા છે જેના લીધે મોટાભાગની નદીઓ ગાંડીતૂર બનતા સૌરાષ્ટ્રના પ૪ ડેમોમાં નવા નીરની આવક થતા પીવાના પાણીનો અને સિંચાઇનો પ્રશ્ન એક ઝાટકે હલ થઇ ગયો છે. તેમજ ઓવરફલો થયેલા ડેમના લીધે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં સતત ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં નવા નિરની આવક થઈ છે. જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, કચ્છ જિલ્લામાં સતત ૪ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અષાઢ મહિનામાં જ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર યથાવત છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ પગલે હાલ સર્વઝ પાણી પાણી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સીઝનનો ૧૦૦% વરસાદ વરસી પડ્યો છે. અષાઢ મહિનાની શરૂઆતમાં જ મોટાભાગના જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. જેથી હવે આગામી ઉનાળામાં જામનગર અને દ્વારકા જિલ્લાના લોકોને પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય. ચાર દિવસનો વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર લાવ્યો છે. જોકે, વધુ વરસાદ પડે તો ખેડૂતો માટે લીલો દુષ્કાળ સર્જાઈ શકે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક નો વરસાદ ખંભાળીયામાં ૧૨ ઇંચ, કલ્યાણપુરમાં ૧૦ ઇંચ, ભાણવડમાં ૭.૫ ઇંચ, દ્વારકામાં ૫ ઇંચ પડ્યો છે.

જામનગર જિલ્લામાં ૨૪ કલાકમાં  જામજોધપુરમાં ૭ ઇંચ, લાલપુરમાં ૫ ઇંચ, જામનગરમાં ૪ ઇંચ, કાલાવડમાં ૩ ઇંચ પડ્યો છે.

પોરબંદર જિલ્લામાં ૨૪ કલાકમાં  કુતીયાણામાં ૫.૫ ઇંચ, રાણાવાવમાં ૫ ઈંચ, પોરબંદરમાં ૪ ઇંચ વરસાદ પડ્યો છે.

એકલા ખંભાળીયામાં જ સીઝનનો કુલ ૫૨ ઈંચ વરસાદ પડી ગયો છે. તો જામનગર, ભાણાવડ, લાલપુર, કલ્યાણપુર, માણાવદર અને કુતિયાણા લગભગ જળબંબાકારની સ્થિતિમાં આવી ગયા છે. જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકના વરસાદની વાત કરીએ તો આજે સવારે ૬ વાગ્યા સુધી નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ. જામજોધપુર તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ વરસાદ, લાલપુરમાં ૫ ઇંચ અને કાલાવડમાં ૩ ઇંચ વરસાદ ખાબકયો છે. જામનગરમાં શહેરમા પણ ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરમા રાત્રે પવનની ગતિ ઓછી થતા વરસાદનો વિરામ થયો હતો. જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને લીધે સલાયાના બંને તળાવો તેમજ કોઝવે ભરાઈ જતાં ત્યાંનું પાણી ગામમાં ભરાઈ ગયા હતા. મુખ્ય બજાર જેવા કે નગર ગેટ,જવેરી બજાર,જૂની પંચાયત ઓફિસ તેમજ અન્ય નીચાણ વારા વિસ્તારોમાં ૩ થી ૪ ફૂટ જેટલા પાણી ભરાયા હતાં. અનેક નાના મોટા વૃક્ષો ધરાશાઈ થયા હતા તેમજ જૂના મકાનોમાં દીવાલો ધસી પડી હતી કોઈ જાનહાનિ, થયેલ નથી. રાત્રીના ૧૨ વાગ્યા થી ભારે પવન સાથે વરસાદ ચાલુ  થયો હતો જે આજે રાત્રે ૮ વાગ્યે બંધ થયો હતો. છેલ્લા ૧૫ કલાક થી લાઈટનો પુરવઠો પણ બંધ હોઈ સલાયા બીજા ગામોથી સંપર્ક વિહોણું બન્યું હતું, કોઈ પણ નેટવર્ક પણ ચાલુના હોઈ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

ધોરાજીઃ  તાલુકાના મોટીમારડ, તોરણીયા, સુપેડી, સહિત ગામોમાં મેઘરાજા પોતાનું વ્હાલ વરસાવી રહ્યા છે. સમગ્ર તાલુકામાં સારા વરસાદથી આનંદ છવાયો છે. ધોરાજી સફુરા નદી અને ભાદર તેમજ ફોફળ ડેમમાં નવા નીર આવ્યા હતા.

ધોરાજી શહેર અને પંથકમાં સીઝનનો કુલ વરસાદ પ્રથમ રાઉન્ડમાં નવ ઇંચ જેવો થઈ જતા આ વિસ્તારના ખેડૂતો અને આમજનતાને પણ મોટો ફાયદો થયો છે અને પીવાના પાણીની સમસ્યા પણ તાત્કાલિક અસરથી હલ થઈ ગઈ છે.

રાજકોટ જીલ્લાના ન્યારી-ર, આજી-૩, ડોંડી, આજી-ર, ખોડાપીપર, વેરી, મોજ, વેણુ, જુનાગઢના વિલિંગ્ડન, રસાલા, બાંટવાખોરા, આણંદપુર, ઓજત વિહાર વંથલી, જામનગરના રણજીતસાગર, સસોઇ, ઉંડ-ર, ડાઇમીણસર, ઉમિયા સાગર, ફુલઝર કે. બી., ઉંડ-૧, કંકાવટી, વાડીસંગ, આજી-૪, ફુલઝર-૧, સસોઇ-ર પોરબંદરના સોરઠી, સાણાખીરસરા, ફોદળા, કાલીન્દ્રી, સારણ, અડવાણા, ખરડાસાગર, રાણાખીરસરા, ધ્રોકળ, દ્વારકાના મીનસર વાનાવાળ, સાની, સીંધણી, ગઢકી, વર્તુ-૧, વર્તુ-ર, ઘી, સિંહણ, સોનમતી, મીણસાર, સાની, કબરકા, ગઢકી, અમરેલીના લાખાપાદર ગીર સોમનાથ વેરાવળમાં નવા નીર આવ્યા છે.

ભાણવડ

ભાણવડ : મીણસાર ડેમ (વાનાવડ), વેરાડી ૧ડેમ (વેરાડ), વેરાડી-ર ડેમ (સઇ દેવળીયા), વર્તુ-૧ ડેમ (મોરઝર) સોનમતી ડેમ (જામપર),  કબરકા ડેમ (કબરકા), ડેમ ઓવરફલો થયેલ છે. વર્તુ-ર ડેમના ૧૬ દરવાજા ૮ ફુટ ખોલવામાં આવ્યા હતાં. ભાણવડ ફલકું અને નકટી નદીઓ ગાંડીતુર જોવા મળે છે.

(11:34 am IST)