Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

હળવદનો બ્રાહ્મણી ડેમ છલકાવાના આરે : ૯ ગામોને એલર્ટ

મિયાણી ગામની નદીમાં ફસાયેલ ગાયને બચાવાઇ

હળવદ તા. ૮ : હળવદ પંથકમાં વરસેલા વરસાદને કારણે નદી નાળામાં નવા નીર આવ્યા છે જેને કારણે સુંદરગઢ પાસે આવેલ બ્રાહ્મણી-બે ડેમમાં પણ બે ફૂટથી વધુ પાણીની આવક નોંધાઇ છે. જોકે આ બ્રાહ્મણી-બે ડેમમાં નર્મદાનું પાણી પણ ઠલવાતું હોય જેને કારણે આ ડેમની જળાશયની ભરપૂર સપાટી ૪૪.૫ મીટર છે. જયારે હાલ ડેમની જળ સપાટી ૪૨.૬૫ મીટરે પહોંચી છે એટલે આ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે જેને કારણે જો હવે વરસાદ વરસે તો ડેમના દરવાજા ખોલવામાં આવનાર હોવાનું અધિકારી કે.જી લીંબડીયા દ્વારા જણાવાયુ છે,જે થી ડેમના નીચેના ભાગમાં આવતા સુસવાવ, ટીકર, મીયાણી, મયુરનગર, માનગઢ, કેદારીયા, ચાડઘ્રા, માનગઢ, અજીતગઢ સહિતના નવ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.

હાલ વરસી રહેલા વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે ત્યારે મિયાણી ગામના પાદરમાંથી પસાર થતી બ્રાહ્મણી નદી માં રેતમાફિયાઓ દ્વારા રેતી ઉલેચી લેતા ખાડાઓ થઈ ગયા છે જેમાં આજે વરસાદ પડવાને કારણે આ ખાડામાં એક ગૌવ વંશ ફસાઈ ગઈ હતી જેની જાણ ગામના સેવાભાવી યુવાન સી.એમ રંભાણી,મહેશ ઠાકોર, મુન્નાભાઈ ઠાકોર, હરેશભાઈ ઠાકોર, કિશનભાઇ ઠાકોર સહિતના યુવાનોને થતા તેઓ નદીકાંઠે દોડી ગયા હતા અને રેસ્કયુ કરી મહા મહેનતે આ યુવાનો દ્વારા ગૌવંશને બહાર કાઢી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે બ્રાહ્મણી નદીમાં પાણીની આવક પણ થતી હોય છે જોકે હાલ વરસાદ પણ ચાલુ હોવાને કારણે સમયસર યુવાનો પહોંચી જય ગૌવંશને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો છે.(

(11:30 am IST)