Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

રાષ્ટ્રવ્યાપી આંદોલનને સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસનું સમર્થન

ખેડૂતો દ્વારા ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, સિંચાઇ માટે પાણી, વિજળી સહિતના મુદ્દે આક્રોશ

પ્રથમ અને બીજી તસ્વીરમાં ઉપલેટા કિશાન સભા આયોજીત શ્રદ્ધાંજલી કાર્યક્રમ તથા ત્રીજી તસ્વીરમાં કોંગ્રેસ આગેવાનો, ખેડૂતો આક્રોશભેર રજૂઆત કરતા નજરે પડે છે. (તસ્વીર : જગદીશ રાઠોડ-ઉપલેટા, રામસિંહ મોરી-સુત્રાપાડા) (૮.૯)

રાજકોટ, તા. ૮ : દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સમર્થન આપવામાં આવ્યું છે અને આજથી ૩ દિવસ સુધી ખેડૂતો, કોંગી આગેવાનો, કાર્યકરો દ્વારા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો કરીને રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.

આજથી ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ પણ જોડાશે. કોંગ્રેસના કાર્યકરો આજે રાજયભરમાં જીલ્લા-તાલુકા મથકે ધરણા યોજી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. ખેત પેદાશોના પોષણક્ષમ ભાવોથી માંડીને સિંચાઇ માટે પાણી, વિજળી આપવાની માંગ સાથે કોંગ્રેસ ૯મીએ સાંજે ઘંટારવ કાર્યક્રમ યોજશે જેમાં કોંગ્રેસના કાર્યકરો થાળી-વેલણ વગાડીને જગાડશે. ખેડૂત આંદોલનને કોંગ્રેસની સાથે ગુજરાત કિસાન સભા સહિતની અન્ય ખેડૂત સંસ્થાઓનો પણ ટેકો મળી રહ્યો છે. ૯મી ખેડૂત સંગઠનોએ કિવટ ઇન્ડિયાના દિવસે ખેડૂતોની માંગણી સ્વીકારો અથવા ગાદી છોડોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવા નક્કી કરાયું છે. ૧૦મી એ ખેડૂતો, કોંગ્રેસ, સીપીએમ સહિતની રાજકીય પાર્ટીઓ ઉપરાંત ખેડૂત સંગઠનો ભેગા મળીને રસ્તા રોકો, ગામડા બંધનું એલાન આપ્યું છે જેના પગલે ઠેર ઠેર ઘર્ષણ થવાની સંભાવના છે. આ જોતા પોલીસ સરકાર અત્યારથી જ સતર્ક બની છે. સરકારની સૂચનાથી ખેડૂત આગેવાનો, આંદોલનકારીઓ, કોંગ્રેસી નેતાઓ પર આઇબીએ બાજ નજર રાખી છે. ખેડૂતો હવે બુલેટ ટ્રેન ઉપરાંત મુંબઇ-દિલ્હી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હાઇવે પ્રોજેકટનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે. આ પ્રોજેકટ માટે ય ખેડૂતો હવે જમીન આપવા તૈયાર નથી જે સરકાર માટે મુશ્કેલી સર્જી શકે છે. આમ, આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે ખેડૂતો ઉપરાંત કોંગ્રેસીઓ વિરોધ પ્રદર્શન કરી સરકારને ઘેરશે.

સુત્રાપાડા

સુત્રાપાડા : સુત્રાપાડાના કિશાનો મોટી સંખ્યામાં વડીલો યુવાનો દ્વારા કિશાન સભા દ્વારા ચાલી રહેલ રાષ્ટ્રવ્યાપી આંદોલનને સમર્થન આપી ગામ બંધ અને રસ્તા રોકો કાર્યક્રમ કરવામાં આવે છે. તેમજ સુત્રાપાડાના ખેડૂતો આક્રોશ મુડમાં સરકાર સામે પોતાના માલનો પૂરતો ભાવ ન આવતા આક્રોશ વ્યકત કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.

અમરેલી

અમરેલી : ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, રાજયભરના ખેડૂતો આડેધડ જમીન સંપાદન, વીજળી-પાણી, ખાતર-બિયારણના સતત વધતા ભાવો તેમજ ખેત ઉત્પાદનોના અપોષણક્ષમ ભાવો જેવી અનેકવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે. ખેડૂતો તેમના પ્રશ્નોની રજૂઆત કરી પણ શકતા  નથી અને સત્તાનો દુરૂપયોગ કરીને તેમની સામે દમનકારી પગલા લેવામાં આવે છે.

પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડાની સૂચના અનુસાર આજે તાલુકામાં કાર્યકરો સાથે સરધસાકારે જઇને તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કાલે તા. ૯ ને શનિવારે તમામ ગામોમાં ગામે-ગામ વિરોધ-પ્રદર્શનનો કાર્યક્રમ અસરારક રીતે યોજવા જણાવ્યું છે. તા. ૧૦ ને રવિવારના રોજ જિલ્લામાં મુખ્ય મથકે ધરણા, રસ્તા રોકો અને જેલભરોના આક્રમક કાર્યક્રમ યોજાશે.

ઉપલેટા

ઉપલેટા : એનડીએ નેતૃત્વની મોદી સરકારના ચાર વર્ષ પુર્ણ થયા છે ચાર વર્ષ ગાળો વીતી ગયા પછી પણ ખેડૂતોની ખરાબ પરીસ્થિતિમાં કોઇ સુધાર ન થતાં ખેડૂતોને મોદી સરકારના વાયદાઓમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે તેથી ખેડૂતો આંદોલનના માગે સડક ઉપર આવી ગયા છે તિવ્ર રીતે ખેડૂત આંદોલન દેશભરમાં ફેલાઇ રહ્યુ છે ગુજરાતમાં પણ ખેડૂતો દ્વારા દૂધ અને ખેતીની જણસી શાકભાજી રસ્તાઓ ઉપર ફેંકીને સરકારની નીતિઓના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે તેવા સમયે મંદસૌરમાં પોલીસ ગોળીબારમાં શહીદ થયેલ છ ખેડૂતોની શહીદીને વર્ષ પુરૂ થાય છે આ શહીદ ખેડૂતોને શ્રધ્ધાંજલી આપવા ઉપલેટાના શહીદ ભગતસિંહ ચોકમાં કિશાનસભાના નેતૃત્વમાં ખેડૂતો એકત્રીત થયા હતા અધિકારો માટે લડતા શહીદ થયેલા ધરતીપુત્ર ખેડૂતોને શ્રધ્ધાંજલી આપી હતી અને ખેતીના અધિકારો માટે સરકાર સામે લડી લેવાનો મક્કમ નિર્ધાર વ્યકત કરેલ હતલ મંદસૌર આંદોલન ના શહીદ ખેડૂતોને શ્રધ્ધાંજલી આપવા એકત્રીત થયેલ ખેડૂતોને સંબોધન કરતા કિશાસભાના રાજય પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ ખેડૂતોને આહવાન કરેલ કે તા. ૧૦ ભારત બંધના એલાનના દિવસે ચક્કાજામ કરી રસ્તા બંધ કરવા આંદોલનની ઘોષણા કરી હતી વધુમાં ડાયાભાઇએ જણાવેલ કે દેશના ખેડૂત વર્ગ સરકારની નીતિઓ સામે આંદોલનના માર્ગે સડકો ઉપર આવી ગયા છે ત્યારે રાજકોટ જીલ્લામાં આંદોલન ઉપલેટામાં થશે અને સવારે ૧૦ કલાકે નાગનાથ ચોકમાં ખેડૂતો ચક્કાજામ કરશે અને આગામી સમયમાં તિવ્ર આંદોલનનો સંદેશ આપશે.

ધોરાજી

ધોરાજી : ભારતીય કિસાન સંઘના ધોરાજી શહેર તેમજ તાલુકાનાં ખેડૂત આગેવાનો તેમજ ખેડૂતોની એક મીટીંગ મળેલ હતી તેમાં ખેડૂતો હૈયાની વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે સરકારશ્રીને સાંસદ સભ્યોના પગાર, ધારાસભ્યના પગાર રાતો રાત વધારી દેવામાં આવે છે તેમજ કૃષિ મહોત્સવ, પતંગ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ કરવામાં કરોડો રૂપિયાના ધુમાડો કરવામાં આવે છે તેમજ કર્મચારીઓના પગાર વધારવામાં વાંધો નથી.

ફકત ખેત પેદાશમાં ભાવો વધારવામાં બોનસ તેમજ પાક વિમો આપવામાં વાંધો આવે છે. આ બાબતે દરેક ખેડૂત સંગઠનોએ જીલ્લા તેમજ તાલુકા મથકે સરકારશ્રીને રજૂઆત કરવા ખેડૂતોને વિનંતી.

આમ જનતાને સસ્તુ ખવડાવવાની નીતિ અપનાવી રાજકારણના રોટલા શેકવામાં આવે છે, ખેડુતોને ફકત ચૂંટણી પુરતા જ યાદ કરવામાં આવે છે. ખેડૂતોનો મત લેવા પુરતો જ ઉપયોગ કરવામાં આવે છે અને પ વર્ષ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. ખાતર બિયારણ જંતુનાશક દવા તેમજ ખેત ઓજારોના ભાવ દિવસને દિવસે વધારવામાં આવે છે તેમજ ખેડૂતોને સબસીડી આપવામાં આવતી નથી, જંતુનાશક દવાઓ તેમજ બિયારણમાં જી. એસ.ટી. નાખવામાં આવી છે ખેડૂત વિરોધી નીતિ કયાં સુધી અપનાવવામાં આવશે. નાછૂટકે ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે. ર૦૧૯ બમણુ ઉત્પાદન કઇ રીતે થશે ? ના છૂટકે ખેડૂતોએ આંદોલનો કરવા પડશે. જેની સરકારશ્રી નોંધ લે.

ઉપરોકત બાબત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ કૃષી મંત્રીશ્રી આર. બી. ફળદુને ધ્યાન દોરવા રજૂઆત કરવામાં આવી છે. આ બાબતોને ધ્યાન દેવામાં નહિ આવે તો જ તેનું પરિણામ આગામી ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીની પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે જેની નોંધ લેશો. તેમ ધોરાજી કિશાન સંઘના પ્રમુખ ધીરૂભાઇ જણાવીએ જણાવેલ હતું.(૮.૧૦)

(11:26 am IST)
  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST