Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોનામાં કચ્છનું તંત્ર તથા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સદંતર નિષ્ફળ: કોંગ્રેસે કરી કચ્છ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓના રાજીનામાની માંગ :ભુજની કલેકટર કચેરીએ કચ્છ કોંગ્રેસે ઘેરાવ સાથે ધરણા કરતાં પોલીસે કરી અટકાયત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::: (ભુજ) કચ્છ જીલ્લામાં કોરોના મહામારીમાં દર્દીઓની સંખ્યા અને મૃત્યુ આંક બન્ને સતત વધી રહ્યો છે. મહામારીના આ સંજોગોમાં કોંગ્રેસપક્ષનાં કચ્છ જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા કચ્છના તાલુકા મથકો તથા મહત્વની સરકારી હોસ્પીટલોની મુલાકાત લઈ સમગ્ર ચીતાર કલેકટરશ્રી તથા પ્રાંત કક્ષાના તાલુકાના અઘીકારીઓને રૂબરૂ પ્રતિનીઘી સ્વરૂપમંડળ સ્વરૂપે તથા લેખીતમાં રજુઆતો કરાઈ હતી. છતાં, કચ્છ જીલ્લાના વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગ કોઈજ નકકર કાર્ય કરી સુચનો ધ્યાને લીધેલ નથી. તો, કચ્છ જીલ્લાની પ્રજાની કમનસીબી એ રહી છે કે સાંસદ તથા ભાજપના ધારાસભ્યો કોરોના મહામારીમાં સંદતર પ્રજાથી વિમુખ રહયા છે અને સસ્તી પ્રસિધ્ધીમાં રાચી રહયા છે. ત્યારે તેમના રાજીનામાની માંગ સાથે કચ્છ જીલ્લા કોંગ્રેસે ભુજ મધ્યે જીલ્લા સેવા સદનમાં અચોકકસ મુદતનાં ધરણા તથા કલેકટર ક્ચેરીના ઘેરાવનો કાર્યક્રમ કર્યો હતો.

આ ઘરણા પ્રસંગે જીલ્લા પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા એ રોષ પર્વક જણાવ્યુ હતુ કે કચ્છ જીલ્લાના નિષ્ફળ વહીવટીતંત્ર તથા માયકાંગલા ભાજપના સાંસદ તથા ધારાસભ્યોના કારણે કચ્છનો  ઓકસીજન જથ્થો બહાર મોકલીને કચ્છની પ્રજાનું અક્ષમ્ય અપરાધ કરેલ છે. આના પરીણામે મૃત્યુદર વધેલ છે. જે માટે ભાજપના સત્તાધીશો જવાબદાર છે. ઉપરાંત રસીકરણની સસ્તી પ્રસિધ્ધી કરી રસીકરણ બંધ કરી પ્રજા સાથે અન્યાય કરી રહેલ છે. પ્રજા રસી માટે ભટકી રહી છે. ભાજપના મંત્રી આવી ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સો ઉભી રાખવાની ફરજ પાડી સસ્તી પ્રસીધ્ધી માટે કૃત્ય કરેલ જેનાથી પણ મૃત્યુદરમાં વધારો થયેલ છે,

જે ગંભીર બાબત છે.ઉપરાંત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કોવીડ સેન્ટરો , જી.કે. જનરલ હોસ્પિટલ માં પુરતી દવાઓ તથા રેમડેસીવીરનાં જથ્થામાં ગેરરીતી વિ.બાબતે જે નિષ્ફળતા છતી થઈ છે. જેનાથી હવે ભાજપનાં સાંસદ-ધારાસભ્યોને પદ પર રહેવાનો કોઈજ અધીકાર નથી. જેથી ત્વરીત રાજીનામા આપી દેવા જોઈએ. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, શાંતિથી ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી આગેવાનોની પોલીસ દ્વારા બળજબરી પૂર્વક ધરપકડ કરવામાં આવી હતી. ડીવાયએસપી દેસાઈ સામે કોંગ્રેસે ભાજપના એજન્ટ તરીકે વર્તવાનો આક્ષેપ કરી એન્કાઉન્ટરની ખુલ્લી ધમકી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે ધમકી આપનાર દેસાઈ સાહેબે દલીત સામાજીક કાર્યકર ધીરજ રૂપાણી, રફીક મારાને ધાકધમકી કરી હોવાનું જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળ ના મુદ્દે ભાજપે ઘરણા યોજેલ ત્યારે પોલીસ દ્વારા કોઈજ કાર્યવાહી કરાઈ ન હતી. જે બાબતે પોલીસે પક્ષપાતી નીતી અપનાવી જે દુઃખદ ગણાવી કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખે તેને સખત શબ્દોમાં વખોડી હતી. આ ઘેરાવ અને ધરણા દરમ્યાન કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, રફીકભાઈ મારા, પી.સી.ગઢવી, ગનીભાઈ કુંભાર, રામદેવસિંહ જાડેજા, મોહનભાઈ રામાણી, રાજેશ આહીર, દશરથસિંહ ખેંગોરત, ધીરજ રૂપાણી, અંજલી ગોર, હરેશ આહીર, આઈશુબેન સમા, મીઠુ મહેશ્વરી, કિશોરદાન ગઢવી, ભચુભાઈ પીંગોલ, રસીકબા જાડેજા, નવીનભાઈ નોરીયા , ચંદલાલ મહેશ્વરી, ઈમરાનશેર, શકિતસિંહ ચૌહાણ વિ.આગેવાનોની અટકાયત કરાઈ હતી.

 ત્યારબાદ ડી.વાય.એસ.પી. દેસાઈના વર્તન બાબતે કચ્છ જીલ્લા કોંગ્રેસનું પ્રતિનીધી મંડળ એસ.પી. સૌરભસિંઘ ને મળ્યુ હતું અને શ્રી દેસાઈ સામે કડક પગલા લેવા જણાવ્યું હતું. યોગ્ય નહી થાયતો આ અધીકારી વિરૂધ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા ફરીયાદ કરવાની ફરજ પડશે. એવુ જીલ્લા પ્રવકતા ગની કુંભારની અખબારી યાદી દ્વારા જણાવાયું હતું.

(5:35 pm IST)