Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જામનગરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૮ : જામનગર શહેરના લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે પટેલ સમાજ માટે ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર સમાજ દ્વારા તા.૪ મેથી શરૂ કરવામાં આવેલ છે. આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ આ સેન્ટરની મુલાકાત લીધી હતી.

આ કોવિડ સેન્ટરમાં ૯૦ સુધી ઓકિસજન ધરાવતા ૫૦ લોકોની સારવાર અર્થે ઓકિસજન સહિતની વ્યવસ્થા નિર્મિત કરવામાં આવી છે. સમાજ દ્વારા દાખલ દર્દીઓને જમવાનું નિઃશુલ્ક આપવામાં આવે છે તેમજ કોરોના દર્દીઓના પરિવારજનો માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પટેલ સમાજને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડો લીધો છે ત્યારે દરેક વ્યકિત, સમાજ યથાયોગ્ય અન્ય લોકોને મદદરૂપ બની રહ્યું છે. જામનગર ખાતે પટેલ સમાજએ કોરોનાના દર્દીઓ માટે સારવાર, અન્ય વ્યવસ્થાઓ અને દર્દીઓના સ્વજનો માટે પણ વ્યવસ્થાઓ નિર્મિત કરી સાથે માનસિક રીતે પણ દર્દીને સ્વસ્થ થવા પ્રેરે તેવું વાતાવરણ નિર્મિત કરવામાં આવ્યું છે જે થકી અનેક દર્દીઓ ખૂબ જલ્દી સ્વસ્થ બનશે તેવી આશા છે. આ સેન્ટરની મુલાકાત સમયે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ પણ પટેલ સમાજના આ પગલાને આવકાર્યું હતું અને આ ઉમદા વિચાર માટે સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી મનિષ કટારિયા, રાજુભાઈ, મહામંત્રીશ્રી મેરામણભાઈ ભાટુ, ગોપાલભાઈ સોરઠીયા સમાજના પ્રમુખશ્રી મનસુખભાઈ રાબડીયા, મંત્રીશ્રી અશોકભાઈ ચોવટીયા, પૂર્વ શાસક પક્ષના નેતા શ્રી દિવ્યેશભાઈ અકબરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કોવિડ કેર સેન્ટર માટેના હેલ્પલાઇન નંબર ૭૮૬૧૮૨૬૮૭૮ છે જેનો સમાજના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

(12:41 pm IST)