Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ તમામ જુનાં કે નવા મોબાઇલ લે-વેચ કરતા દુકાન ધારકોને રજિસ્ટર નિભાવવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા મોબાઇલ વેંચતી વખતે મોબાઇલ ખરીદનારનું પુરૂ નામ, સરનામું નોંધવું ફરજીયાત

સુરેન્‍દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ જુનાં કે નવા મોબાઇલ લે-વેચ કરતા દુકાન ધારકોએ ગ્રાહકો પાસેથી ઓળખ અંગેનું પુરૂ નામ, સરનામું રજીસ્ટરમાં ફરજીયાત નોંધણી કરાવવા અને આ રજીસ્ટર નિભાવવા અંગે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે

 આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે જિલ્લામાં બનતા વિવિધ ગુન્હાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે અને મોબાઇલ ચોરીઓના ગુન્હાનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલ અથવા ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાના મુળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામા આવે છે. ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કરનાર સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેમને કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે. જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. આ  બાબતે આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે કોઇપણ (જુના કે નવા) મોબાઇલ વપરાશકારકે તે મોબાઇલ કોની પાસેથી ખરીદેલ અથવા કોને વેચેલ છે? તે જાણવું જરૂરી છે જે અંગે કોઇપણ (જુના કે નવા) મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા મોબાઇલ વેંચતી વખતે મોબાઇલ ખરીદનારનું પુરૂ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે જરૂરી છે. મોબાઇલ ટ્રેકીંગ કરી અને ગુન્હાનાં મુળ સુધી પહોંચે ત્યારે આવું જાણવા મળે છે કે, મોબાઇલ કોઇ અજાણી વ્યકિતએ મને આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે. પરીણામે તપાસમા કોઇ ફળદાયક હકીકત મળી શકતી નથી. જેથી આ બાબતે કોઇપણ વ્યકિતઓ મોબાઇલ હેન્ડસેટ વિગેરે ફોટા સાથેના કોઇ પણ ઓળખપત્ર વગર લેનાર/વેંચનારની જવાબદારી નક્કી કરવામાં આવતું જાહેરનામું બહાર પાડવામા આવે તો આવા મોબાઇલ ચોરીના ગુન્હાઓ અટકાવી શકાય અને ગુન્હાઓનાં મુળ સુધી પહોંચી શકાય તેમ હોઇ, સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક દ્રારા દરખાસ્ત કરવામાં આવેલ છે.

જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આવી પ્રવૃતિ અટકાવી શકાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ જુનાં કે નવા મોબાઇલ લે-વેચ કરતા દુકાન ધારકોએ ગ્રાહકો પાસેથી ઓળખ અંગેનું પુરૂ નામ, સરનામું રજીસ્ટરમાં ફરજીયાત નોંધણી કરાવવા અને આ રજીસ્ટર નિભાવવા સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયુ છે.

આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૦/૦૪/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. જો કોઈ ઈસમ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર થશે. સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

(12:06 am IST)