Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

કોડીનારના પોલ્ટ્રી ફાર્મરો દ્વારા અફવા ફેલાવનારા સામે પગલાં ભરવા માંગ

'પોલ્ટ્રી ઉદ્યોગને આર્થિક પેકેજ પુરૂ પાડવા માંગ કરી'

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૭: કોડીનારમાં પોલ્ટ્રી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા વારંવાર ચિકન અંગે ફેલાવાતી અફવા વિશે વિરોધ વ્યકત કરી પોતાની નારાજગી દર્શાવી અફવા ફેલાવનારા તત્વો સામે કાયદાકીય પગલાં ભરી મરણપથારીએ રહેલા પોલ્ટ્રી ઉદ્યોગને ફરીથી બેઠું કરવા આર્થિક પેકેજ આપવા આવેદનપત્ર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.આ અંગે કોડીનાર પોલ્ટ્રી ફાર્મરો દ્વારા મહેંદીહસન નકવીની આગેવાની હેઠળ મામલતદાર થ્રુ મુખ્યમંત્રી ને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલમાં પક્ષીઓમાં બર્ડ ફલૂ બીમારી ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે અમુક લોકો જાણી જોઈને આ બીમારીને મરઘાં સાથે જોડી તેના વિશે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા હોવાના કારણે પોલ્ટ્રી ઉધોગ સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. કોરોના મહામારીની શરૂઆતમાં પણ અમુક અસામાજીક તત્વો દ્વારા ચિકનથી કોરોના ફેલાતો હોવાની અફવા ફેલાવતા સમગ્ર ભારત ભરના પોલ્ટ્રી ફાર્મરોને અબજો રૂ.નું નુકશાન સહન કરવું પડયું હતું. ત્યારે હવે ફરીથી ખોટી અફવાઓના કારણે પોલ્ટ્રી ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ભારતના પોલ્ટ્રી ખેડૂતો અવાર નવાર ચિકન અંગે ફેલાવાતી અફવાઓના કારણે મોટી નુકસાનીના ભોગ બન્યા છે, કોરોના કાળમાં લાગુ કરાયેલા લોકડાઉન પછી આજ સુધી પોલ્ટ્રી ખેડૂત મરણ પથારીએ છે. પોલ્ટ્રી ખેડૂતને સરકાર દ્વારા કોઈ જાતની સહાય કે કોઈ પણ જાતનું પેકેજ પણ મળેલ નથી. હાલમાં થોડા દિવસ પેહલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના પ્રવચનમાં પોલ્ટ્રી સેકટરના ખુબ જ વખાણ કરી અને કહ્યું હતું કે આપણો પોલ્ટ્રી સેકટર પણ બહુજ આગળ છે. પણ આવી ખોટી અફવાઓના કારણે પોલ્ટ્રી સેકટર અને પોલ્ટ્રી ખેડૂતોનું નામો નિશાન નહિ રહે. આજે પોલ્ટ્રી ઉદ્યોગ સટ્ટા બજાર, જુગાર, રિસ્કી, જેવા શબ્દથી ઓળખવામાં આવે છે, તેમજ કેન્દ્રીય પશુ પાલક મંત્રીશ્રી ગિરિરાજસિંહએ પણ અવાર નવાર પોલ્ટ્રી સેકટર માટે તેના ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારત સરકાર પાસે અત્યાર સુધી કોઈ પોલ્ટ્રીમાં બર્ડ ફ્લૂ કોઈ પુરાવો નથી મળ્યું. એ છતાં પણ ભારત સરકાર તે બાબતે સજાગ છે. આ જ શબ્દ ગુજરાતના પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયા એ કહ્યા હોવા છતાં અમુક અસામાજિક તત્વો દ્વારા પોલ્ટ્રી સેકટરને બદનામ કરવા વારંવાર બીમારીઓ ને પોલ્ટ્રી સાથે જોડી ખોટી અફવા ફેલાવામાં આવે છે,જેના થી પોલ્ટ્રી ઉદ્યોગ ને ભારે નુકશાન થઈ રહ્યું હોય કોડીનારના પોલ્ટ્રી ફાર્મરો દ્વારા અફવા ફેલાવનારા તત્વો સામે કડક પગલાં ભરવા અને મરણપથારીએ પડેલા પોલ્ટ્રી સેકટર ને રાહત આપવા આર્થિક પેકેજ જાહેર કરવા માંગણી કરવામાં આવી છે.

(10:38 am IST)