Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સારંગપુરની BAPS યજ્ઞપુરૂષ ગૌશાળાનો ઘોડો ભારતમાં પ્રથમ

મહારાષ્ટ્ર ટુરિઝમ દ્વારા યોજાયેલ ચેતક ફેસ્ટિવલમાં 'કનૈયા'એ અનેરી સિધ્ધિ હાંસલ કરી

રાજુલા તા. ૮ : વિશ્વવિખ્યાત તીર્થધામ સારંગપુરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલ શ્રીયજ્ઞપુરુષ ગૌશાળા પશુઓની ઉત્તમ ઓલાદો માટે ખૂબ પ્રસિદ્ઘ છે. ભારત અને ગુજરાતના વિશિષ્ટ ક્ષમતાવાન પશુઓની અહીં વૈજ્ઞાનિક ઢબે માવજત કરવામાં આવે છે. તાજેતરમાં આ ગૌશાળાના પશુઓમાં 'કનૈયા' નામના ઘોડાએ ભારતમા પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગૌશાળાની સિદ્ઘિઓમાં યશકલગી ઉમેરી છે.

મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લાના સારંગખેડા ગામના તાપી નદીના કિનારે છેલ્લા ૩૦૦ વર્ષથી ચેતક ફેસ્ટિવલનું આયોજન થાય છે. જેમાં હવે તો મહારાષ્ટ્ર ટુરિઝમના સંયોજનથી ખૂબ વિરાટ પાયા પર આ પ્રતિયોગિતા યોજાય છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ રમતો સ્પર્ધાઓની વચ્ચે ઘોડાઓની સ્પર્ધા મુખ્ય હોય છે.

આ મહોત્સવમા ભારતભરના ઘોડાઓ સ્પર્ધામા ભાગ લેવા પધાર્યા હતા. કશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીના વિવિધ પ્રદેશોમાંથી આવેલા અનેક જાતવાન ઘોડાઓની આ સ્પર્ધા બધાનું  આકર્ષણનું કેન્દ્ર હતી. જેમાં ડાન્સ શો, રેસ, બગી રાઈડ, શ્રેષ્ઠ ઓલાદ વગેરે માધ્યમો દ્વારા ઘોડાની શ્રેષ્ઠતા પુરવાર કરવાની હતી. જેમાં સારંગપુરની યજ્ઞપુરુષ ગૌશાળાનો 'કનૈયો' શુદ્ઘ કાઠિયાવાડી બ્રીડ માટે સમગ્ર ભારતમા પ્રથમ ક્રમાંકે વિજયી થયો હતો. ઉલ્લેખનીય છે કે આ ગૌશાળાના પાડા, ભૈંસ વગેરે અનેક પશુઓએ અગાઉ પણ અનેક રાષ્ટ્રીય ખિતાબો પ્રાપ્ત કરેલા છે.

(3:53 pm IST)