Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જેતપુરમાં ૧૦મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ ૧૨ દેશના ૪૭ પતંગબાજો આવશે

પુરવઠામંત્રી જયેશભાઇના હસ્તે ઉદ્ઘાટનઃ રંગા રંગ-સાંસ્કૃતિક કાર્યક્રમો : કેરળ-પંજાબ- રાજસ્થાન- તામીલનાડુ- લખનૌ-ઉત્તરાખંડના ૩૧ પતંગવીરો

રાજકોટઃ મકરસંક્રાતિની ગુજરાતમાં ભારે હર્ષોલ્લાસ- ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે દરેક કોર્પોરેશન અને જીલ્લા લેવલે પણ પતંગ મહોત્સવ યોજાય રહયા છે. આ અનુસંધાને ટુરીઝમ વિભાગ અને રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા આગામી તા.૧૦ને ગુરૂવારના રોજ જેતપુર ખાતે આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૨ દેશમાંથી ૪૭ પતંગબાજો તેમાં ભાગ લઇ આકર્ષક જમાવશે.

 આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું  ઉદ્ઘાટન પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવશે. ગુજરાત અને ખાસ કરીને ઉત્સવપ્રીય સૌરાષ્ટ્રની જનતા માટે આવતીકાલે રાજકોટ ખાતે ટુરીઝમ વિભાગ અને કોર્પોરેશન દ્વારા પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાનાર છે. ટુરીઝમ અને કલેકટર તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠાવાઇ છે.

  જેતપુર ખાતેના પતંગ મહોત્સવમાં દેશના કેરળ, પંજાબ, તામીલનાડુ, લખનૌ, ઉત્તરાખંડ સહિતના પ્રદેશોમાંથી કુલ ૩૧ જેટલા પતંગોબાજો ભાગ લેનાર છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી રાજકોટ, માંડવી, ભુજ, આટકોટ, અમરેલી, ખંભાળીયાના પતંગબાજો પણ હોશભેર પોતાની અવનવી પતંગ સાથે ભાગ લેનાર છે. 

દેશ ઉપરાંત વિદેશોમાંથી પણ પતંગબાજો પોતાની અલગ-અલગ પતંગો સાથે જેતપુર પતંગ મહોત્સવમાં આવનાર છે. જેમાં ફ્રાન્સના ૪, જર્મનીના ૨, હંગરીના ૪, ઇઝરાયલના ૬, ઇટાલી ૫, કેન્યા ૨, કોરીયા ૪, પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં નીત-નવી પતંગો ચગાવનાર છે.

હાલના જોરદાર પવન અને ઠંડીના કારણે કાલે રાજકોટ ખાતેનો અને ગુરૂવારે જેતપુર ખાતેના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં  પતંગો ભરપુર  ચગશે અને લોકો રંગબેરંગી અને અવનવા આકારની પતંગોથી ભરાયેલ આકાશની મનભરીને મજા માણી શકે એ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહયો છે. (૪૦.૧૩)

(3:37 pm IST)