Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બાળસખા યોજના-૩ અંતર્ગત હળવદના સુસવાવ ગામના બાળકને નવજીવન મળ્યુ

રાજકોટની કલરવ હોસ્પિટલે સતત ૩૦ દિવસ સુધી સારવાર આપીઃ રાઠોડ પરિવારમાં હર્ષની હેલી

 હળવદ, તા.૮: હળવદઃ તાલુકાના નાના એવા સુસવાવ ગામે આજથી ર૦ દિવસ પહેલા દંપતિના ઘેર પારણું તો બંધાયું પરંતુ આ ખુશીના સમાચારની સાથે સાથ નવજાત શિશુનું વજન માત્ર ૧.૪૦૦ ગ્રામ હોવાથી પરિવારજનોની ખુશી માત્ર ક્ષણીકવારની હોય તેમ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ રાજય સરકારની બાળ સખા યોજના-૩ અંતર્ગત નવજાત શિશુને રાજકોટની કલરવ હોસ્પિટલ ખાતે ૩૦ દિવસ સારવાર આપી બાળકને નવજીવન બક્ષ્યું હતું.

પંથકના સુસવાવ ગામે રહેતા ગોપાલભાઈ રાઠોડ અને મીનાબેન રાઠોડના લગ્ન જીવનના ત્રણ વર્ષ બાદ ઘરે પારણું બંધાતા પ્રથમ તો પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ હતી પરંતુ આનંદ માત્ર ક્ષણીકવારનો જ હોય તેમ તબીબોએ બાળકનું વજન માત્ર ૧.૪૦૦ ગ્રામ અને બાળકનું શરીર નબળાઈ વાળું હોવાનું જણાવતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. તેવામાં હળવદ બ્લોક હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી અને ફિમેલ હેલ્થ વર્કર મીનાક્ષીબેનને જાણ કરાતા તેઓએ રાજય સરકારની આરોગ્યલક્ષી બાળ સખા યોજના-૩ અંતર્ગત રાજકોટની કલરવ હોસ્પિટલ ડો.પ્રિતેશ પંડયાએ બાળકને સતત ૩૦ દિવસ સુધી સારવાર આપી બાળકને નવજીવન આપ્યું હતું. ત્યારે અહીં રાજય સરકારની બાળ સખા યોજના -૩ સુસવાવના રાઠોડ પરિવાર માટે આર્શિવાદરૂપ સમાન નિવડતા પરિવારજનોમાં ભારે હર્ષની હેલી પ્રસરી ગઈ છે. સાથે જ રાજય સરકારનો આભાર પરિવારજનોએ વ્યકત કર્યો હતો.(૨૩.૬)

(11:45 am IST)