Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

તલગાજરડામાં શુક્રવારે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

પૂ. મોરારીબાપુ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો માટેના 'ચિત્રકુટ એવોર્ડ'ની ઘોષણાઃ મહુવા તાલુકાના નિવૃત થતા પ્રા.શિક્ષકોને પણ વિદાય સન્માન અપાશેઃ જોરશોરથી તૈયારીઓ

કુંઢેલી તા.૮: પ્રતિવર્ષના જાન્યુઆરી માસમાં તલગાજરડા (તા. મહુવા) ખાતે પૂ. મોરારીબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને એનાયત થતાં ''ચિત્રકુટ એવોર્ડ''ની ઘોષણા કરવામાં આવી છે. સને ૨૦૦૦ની સાલમાં પ્રારંભાયેલા આ પ્રતિષ્ઠિત પારિતોષિક સતત ૨૦માં વર્ષે ગુજરાતના ૧૧ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષક બહેનો-ભાઇઓને અર્પણ થશે.

પસંદગીનું કાર્ય સંભાળતા ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ-ગાંધીનગર દ્વારા તાજેતરમાં આ ૧૧ નામો જાહેર કરાયા છે. જેમાં પસંદગી પામેલા અશોકભાઇ કરશનભાઇ પટેલ મોટા પોંઢા  પ્રા.શાળા, તા. કપરાડા, જિ. વલસાડ, રમેશકુમાર દેવશંકર પંડયા, મોટા સોનેલા પ્રા.શાળા, તા.લુણાવાડા, જિ. મહિસાગર, નિલેશકુમાર રમણલાલ સોલંકી ટીંબાપુરા (મહોળેલ) પ્રા.શાળા, તા. નડિયાદ, જિ. ખેડા, સતીષકુમાર પુંજાભાઇ પ્રજાપત, બાકરોલ કેે.વ. શાળા, તા. કાલોલ, જિ. પંચમહાલ, દયાબેન સમજુભાઇ સોજીત્રા, અમરાપુર પ્લોટ પ્રા.શાળા, તા. કુકાવાવ, જિ. અમરેલી, પ્રતાપસિંહ મોતીસિંહ રાઠોડ, ઝાંખરીયા પ્રા.શાળા તા. બાયડ, જિ. અરવલ્લી, ડો. ધ્રુવગીરી અમરગીરી ગોસ્વામી, દિગ્વિજયનગર વાંકાનેર પ્રા.શાળા જિ. મોરબી, મનસુખભાઇ ઠાકરશીભાઇ સરવૈયા, ગોવિંદપરા પ્રા.શાળા તા. વિસાવદર જિ. જુનાગઢ, જગતસિંહ રત્નસિંહ યાદવ, ઝઘડિયા તાલુકા કુમાર શાળા, જિ. ભરૂચ, વિજયસિંહ રાઘવભાઇ ગોલેતર, ભંડારિયા પ્રા.શાળા તા. ગઢડા, જિ. બોટાદ અને નિકેતાબેન શશીકાન્ત વ્યાસ નગર પ્રાથમિક વેજલપુર પબ્લિક સ્કૂલ, વેજલપુર-અમદાવાદનો સમાવેશ થાય છે.

આગામી તા. ૧૧ને શુક્રવારે સવારે ૯.૩૦ કલાકે તલગાજરડા પ્રા.શાળા (તા. મહુવા, જિ. ભાવનગર) ખાતે પૂ. મોરારીબાપુ દ્વારા પ્રત્યેક શિક્ષકશ્રીને પચ્ચીસહજાર રૂપિયા, સન્માનપત્ર, શાલ સાથે ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરશે.

આ કાર્યક્રમમાં શિવકુંજ આશ્રમ એધેવાડા સંત પૂ. સીતારામબાપુ ખાસ ઉપસ્થિત રહી પુસ્તક પુષ્પ વડે એવોર્ડી શિક્ષકોને આશિર્વાદ આપશે. તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના દિગ્વિજયસિંહ જાડેજા, સતિષભાઇ પટેલ, ભાભલુભાઇ વરૂ તેમજ હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિત રહેશે.

મહુવા તાલુકાના શૈક્ષણિક અધિવેશન સાથેની આ સમારંભમાં ૧૦ જેટલા મહુવા તાલુકાના નિવૃત થતા પ્રાથમિક શિક્ષકોને વિદાય સન્માન પણ અપાશે.

કાર્યક્રમની સફળતા માટે ગજેન્દ્રસિંહ વાળા, ગણપતભાઇ પરમાર, મનુભાઇ શિયાળ, ભરતભાઇ પંડયા, ભાવનગર જિલ્લા પ્રા. શિક્ષકના પ્રમુખ મધુકર ઓઝા વગેરેના માર્ગદર્શન નીચે તૈયારીઓ થઇ રહી છે.

(11:44 am IST)