Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સરધારના ભાયાસરમાં જાંબુવાની ૧૭ વર્ષની કાળી ડામોરનો ઝાડવે લટકી જઇ આપઘાત

નાના ભાઇએ રસોઇ વહેલી બનાવવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં પગલું ભર્યુ

રાજકોટ તા. ૮: સરધાર તાબેના ભાયાસર ગામમાં લોઠડા રોડ પર ઝૂપડામાં પરિવારજનો સાથે રહેતી અને કડીયા કામની મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશના જાંબુવાની કાળીબેન નાથાભાઇ ડામોર (ઉ.૧૭)એ ઝૂપડા નજીક ઝાડમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

કાળીએ સાંજે ઝૂપડાથી થોડે દૂર જઇ ગળાફાંસો ખાઇ લીધો હતો. દરમિયાન એક પશુપાલક જોઇ જતાં તેણે ઝૂપડે આવી તેણીના પરિવારજનોને જાણ કરી હતી. ૧૦૮ને જાણ કરવામાં આવતાં ગાડી પહોંચી હતી. પણ તેના ઇએમટીની તપાસમાં આ સગીરા મૃત જણાતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. જયેશભાઇ નિમાવતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર કાળી ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ચોથી હતી. તે તેના પરિવારજનો કેટલાક સમયથી ભાયાસર રહી કડીયા કામ કરતી હતી. નાના ભાઇ કાવરીયાએ રસોઇ વહેલી બનાવવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જવાથી આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. બનાવથી મજૂર પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.  (૧૪.૫)

(11:28 am IST)