Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

દિપડાને ઠાર મારવા સ્પેશિયલ શૂટરો તૈનાત : લોકોમાં દહેશત

૩૦ પાંજરા, સીસીટીવી સહિતની વ્યવસ્થા કરાઇ : દિપડાએ છેલ્લા બે જ દિવસમાં બે ખેડૂતોનો શિકાર કરતાં પંથકમાં ભયનો માહોલ : વનવિભાગ અને તંત્ર પૂર્ણ એલર્ટ

અમરેલીના બગસરા સહિતના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોનો શિકાર કરી હાહાકાર મચાવનાર માનવભક્ષી દિપડાએ આજે વધુ એક ખેડૂતને પોતાનો શિકાર બનાવ્યો હતો. બે દિવસમાં બે ખેડૂતોના મોતને લઇ હવે સમગ્ર મામલો ગરમાયો છે. જેને પગલે માનવભક્ષી દિપડાને ઝડપી પાડવા વનવિભાગ સક્રિય બન્યુ છે અને મેગા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. માનવભક્ષી દિપડાને ઠાર મારવા માટે વનવિભાગના સ્પેશ્યલ શુટરો કામે લાગ્યા છે. સીસીએફ સહિતના વનવિભાગના અધિકારીઓ અમરેલી પહોંચ્યા છે. અમરેલી, જૂનાગઢ અને ગાંધીનગર વનવિભાગના કર્મચારીઓ સંયુક્ત ઓપરેશન હાથ ધરશે. બગસરા પંથકમાં ૩૦ પાંજરા, સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

           વનવિભાગના ઓપરેશનમાં અમરેલી જિલ્લા પોલીસની ટીમ પણ જોડાશે. તંત્રએ ખેડૂતો અને ખેતમજૂરોને સાંજે સાત વાગ્યા બાદ ખેતરમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટના ચાર જિલ્લાઓ જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી અને ભાવનગરમાં વિવિધ પંથકો અને ગામડાઓમાં દિપડા દ્વારા છેલ્લા એક વર્ષમાં ૬૬ લોકો પર કર્યો હુમલો કરાયો છે, જયારે ૧૫ વ્યક્તિઓને દિપડાએ મોતને ઘાટ ઉતાર્યા છે. આ મામલે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું હતુ કે, અમારા પાંચ તાલુકામાં ૧૭ લોકોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા છે અને ૬૭ લોકોને ઘાયલ કર્યા છે. જંગલ ખાતું દીપડાને કેમ ઠાર નથી મારી શકતા, લોકોની રક્ષા કરવી અમારી ફરજ છે. આજે ખેડૂત આગેવાન તરીકે હથિયાર લઈને નીકળ્યો છું. જંગલ ખાતુ દિપડાને ન પકડી શકે તો અમે ઠાર મારવા સક્ષમ છીએ હું આજે જનપ્રતિનિધી તરીકે નીકળ્યો છું અને હું જંગલ ખાતાને કહેવા માંગું છું કે તમે ન મારી શકો તો હું માનવભક્ષી દિપડાને ઠાર મારીશ.

              આ પ્રકારના બનાવો માં સૌથી વધુ અસર ખેતીકામ કરતા ખેડૂતોને થાય છે. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાંચ ડિસેમ્બરના રોજ રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલ ૪૪ વર્ષીય વજુભાઈ ધનજીભાઈ બોરડ પર દીપડાએ આવી હુમલો કર્યો હતો અને તેમને વાડમાં ખેંચી લઈ ગયો હતો, જયાં ખેડૂતને ફાડી ખાધા હતા. વન વિભાગ દ્વારા આ પ્રકારની ઘટનામાં મૃતક ના પરિવાર ને ૪ લાખની સહાય આપવામાં આવે છે.જયારે ઘાયલ વ્યક્તિ ને પણ આર્થિક સહાય આપવામાં આવે છે.પરંતુ આજે ખેડૂત પરિવારો એ પોતાના ખેતરમાં જવા માટે ડરી રહ્યા છે.

(9:51 pm IST)