Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ ખેલમહાકુંભમાં સહભાગી થયા

જૂનાગઢ તા.૭: જૂનાગઢ ડુંગરપુર ખાતે અતિગંભીર દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા સાંપ્રત એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ ખાતે ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા સ્પેશ્યલ ખેલ મહાકુંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ભકતકવિ નરસિંહમહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.

તાજેતરમાં ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા સ્પેશ્યલ ખેલ મહાકુંભ વિજાપુર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં દિવ્યાંગો માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે ગોળાફેક, સાઈકલ સ્પર્ધા, બરછી ફેક,ભાલાફેક,દોડ વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગો ભાગ લીધો હતો. ખેલમહાકુંભમાં ભકતકવિ નરસિંહમહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ પણ સહભાગી બન્યા હતા. વિદ્યાર્થીઓએ તંત્ર અને આયોજકો સાથે રહીને સ્વયંસેવકો બનીને દરેક સ્પર્ધામાં પોતાની સેવા આપી હતી.આ સાથે જ  સ્પર્ધા સંદર્ભે દિવ્યાંગોનું વર્તન, ખુશી, તેઓના હાવભાવ, સ્પર્ધા જીતવાનો અનેરો આનંદ, અમુક કિસ્સામાં તેઓની વેદના, દિવ્યાંગોમાં રહેલી વિવિધ શકિતઓ, પ્રગતિ કરવાની ધગશ, રાજય કે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધત્વ કરવા માટેની લાયકાત વગેરે વિશે વિસ્તૃત અને ઉંડાણપૂર્વક સંશોધન અને નિરીક્ષણ કર્યું હતું.

આ તકે કુલપતિ ડો. ચેતન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ભકતકવિ નરસિંહમહેતા યુનિવર્સિટી જુનાગઢના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો.જયસિંહ ઝાલા, ડો. પરાગ દેવાણી, ઋષિરાજ ઉપાધ્યાય,પ્રો. નીતિન મકવાણા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ તકે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં  અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા તથા જિલ્લા કલેકટર ડો.સૈારભ પારદ્યી, ડીડીઓશ્રી પ્રવીણ ચૌધરી, પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ, ડેપ્યુટી કલેકટર શ્રી રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 pm IST)