Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જેતપુરમાં ફરી લુખ્ખાગીરી ! વેપારીને માર માર્યા બાદ પુનઃ છરી સાથે આતંક મચાવ્યો

વેપારીઓ એકત્ર થઈ જતા હારૂન શેખ નાસી છૂટયોઃ વેપારીઓએ ચેમ્બરના પ્રમુખની આગેવાની તળે પોલીસમાં અને કેબીનેટ મંત્રીને રજૂઆત કરી : સ્ટેન્ડ ચોક વિસ્તારમાંથી ફુલવાળાને હટાવવા રજૂઆત કરાઈ

જેતપુર, તા. ૭ :. જેતપુરમાં ફરી લુખ્ખાઓ બેકાબુ બન્યા હોય તેમ ગઈકાલે મુસ્લિમ શખ્સે વેપારીને માર માર્યા બાદ છરી સાથે ધસી આવી આતંક મચાવી પતાવી દેવાની ધમકી આપતા વેપારીઓમાં રોષ વ્યાપેલ છે.

શહેરના સ્ટેન્ડ ચોક જેવા ભરચક વિસ્તારમાં ફુલના ધંધાર્થી થડો લગાવી બેઠા હોય છે. જેમા હારૂન શેખ નામના શખ્સનો ત્રાસ દિવસેને દિવસે વધતો જતો હોય થોડા સમય પહેલા આ શખ્સે ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કરેલ તેની કોઈ ફરીયાદ  ન થતા દાદાગીરી કરવામાં પ્રોત્સાહન મળતા ગત રાત્રીના આજ વિસ્તારમાં આવેલ પૂનમ પ્રોવિઝન નામની દુકાનમાં જઈ કોઈપણ બાબતે બોલાચાલી થતા હારૂન શેખ ઉશ્કેરાય જઈ ગાળો બોલવા લાગેલ. દુકાનના માલિક નરેશભાઈ આશુમલ રાયકંગોર (રહે. દેશાઈ વાડી)એ દુકાનમાં મહિલાઓ હોય તેને ગાળો બોલવાની ના કહેતા મારામારી કરી જતો રહેલ. થોડીવાર બાદ ફરી છરી લઈ આવી આતંક મચાવી નરેશભાઈને મારી નાખવાની ધમકી આપતા આ વિસ્તારના તમામ વેપારીઓ એકઠા થઈ ગયેલ.

દરમિયાન હુસેન નાસી છૂટેલ હોય તમામ વેપારીઓએ પોલીસ સ્ટેશને જઈ ચેમ્બર્સના પ્રમુખ મનસુખભાઈ સહિતના આગેવાનોએ પી.આઈ. તેમજ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને રજૂઆત કરેલ કે આ વિસ્તારમાં ગર્લ્સ હાઈસ્કૂલ આવેલ છે, જ્યાં ફુલવાળાઓ પોતાનો ધંધો કરે છે ત્યાં આવા લુખ્ખાઓ આવી અસામાજીક પ્રવૃતિઓ કરતા હોય ગર્લ્સ સ્કૂલમાંથી નિકળતી છોકરીઓની પણ છેડતી થતી હોય આવા આવારા તત્વોને ડામી દેવામાં આવે અને તમામ ફુલવાળાઓને અહીંથી હટાવવામાં આવે તેવી રજુઆત કરેલ. જેથી ટૂંક સમયમાં જ તમામ ફુલવાળાઓને ત્યાંથી કાઢી મુકવામાં આવશે તેવી ખાત્રી આપેલ. ઉપરાંત આવા લુખ્ખા તત્વોને યોગ્ય પાઠ ભણાવવામાં આવે જેથી બીજા આવુ પગલુ ન ભરે તેવી પણ રજૂઆત કરવામાં આવેલ.

પરીણિતાને ત્રાસ

બાવાવાળાપરા વિસ્તારમાં રહેતી પરીણિતા ચેતનાબેન સવજીભાઈ મકવાણાએ પોલીસમાં ફરીયાદ લખાવેલ કે તેના લગ્નના થોડા સમય બાદ તેના સાસુ શાંતાબેન પોપટભાઈ, જેઠ મનજીભાઈ, મોટા જેઠ જગાભાઈ, નણંદ જમકુબેન રહે. તમામ નવાગઢ તેમજ નણંદ જયાબેન, નણંદના દિયર હરેશભાઈ (રહે. બન્ને તાલાળા)એ અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય તેમજ મારી નાખવાની ધમકી આપેલ જે અનુસંધાને પોલીસે તમામ સાસરીયા વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:44 pm IST)
  • વિશ્વ હિંદુ પરિષદે ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા અંગે સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે. વિહિપે સરકારને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ઓગસ્ટ, 2018 સુધીનો સમય આપ્યો છે. જો આનો કોઈ ઉકેલ નહિ નીકળે તો વિહિપ આને મોટા નેતાઓ સામે લઈ જશે જેમાં સંગઠનના શક્તિશાળી પદાધિકારીઓ સાથે સાધુ-સંતો પણ શામેલ હશે. access_time 1:19 am IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • નડિયાદ ડિવિઝન સ્કવોર્ડે બાતમીના આધારે, સંધાણા પાસેથી કારમાં લઇ જવાતા 300 લીટર દેશી દારૂ ના 10 પોટલાં સાથે એક મહિલા અને પુરુષને ઝડપી લીધા છે. access_time 8:12 pm IST