Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ખંભાળીયાઃ પત્નિને જીવતી સળગાવી દઇને હત્યાના ગુનામાં પતિને આજીવન કૈદની સજા ફટકારતી કોર્ટ

સાસુ- સસરા- નણંદ વિગેરેને શંકાનો લાભ આપીને છોડી મુકાયા

ખંભાળીયા, તા.૭: તાલુકાના વાડીનાર ગામે રહેતી એક મુસ્લિમ પરિણિતા સાથે ઝઘડો કરી તેના પર કેરોસીન છાંટી જીવતી સળગાવવાના ગુના સબબ પતિ, સાસુ, સસરા, નણંદ સહિતના છ સાસરીયાઓ સામે ગુનો નોંધાયો હતો. પાંચ વર્ષ પૂર્વેના આ બનાવમાં ખંભાળીયાની અદાલતે પતિને આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો છે. જયારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા હતાં.

આ બનાવની વિગત મુજબ ખંભાળીયા તાલુકાના વાડીનાર મુકામે રહેતા જુસબ સાલેમામદ સંઘાર નામના મુસ્લિમ યુવાનના લગ્ન સિકકા ગામની રૂકસાનાબેન નામની યુવતિ સાથે થયા હતા. આશરે પંદર વર્ષના લગ્નગાળામાં આ પરિણિતાને લગ્ન બાદ ઘરખર્ચ બાબતે પતિ જુસબ સાથે અવાર-નવાર નાના-મોટા ઝઘડાઓ થતા હતા. લગ્નજીવન દરમ્યાન દંપતિને ૨ પુત્રી તથા એક પુત્ર થયા હતા.

આ દરમ્યાન રૂકસાનાબેને તા.૨૩/પ/૧૩ ના રોજ જુસબ પાસે તેના પત્નિએ ઘરખર્ચ માટે રકમ માંગતા પતિ જુસબ ઉશ્કેરાઇ ગયો હતો. અને ઘરમાં રહેલા કેરોસીન ભરેલું ડબલું તેણી ઉપર રેડી દીધું હતું. પતિ દ્વારા સળગતી બચવા માટે રૂકસાનાબેન ભાગવા જતાં તેણીના સાસુ રહેનાબેન, સસરા સાલેમામદ એલીયાસ તથા નણંદો યાસમીનબેન, નફીસા સાલેમામદ તથા મોમીનાબેન સાલેમામદે રૂકસાનાની માર્ગ આડે આવી તેણીને ભાગવા જતા અટકાવી હતી. જયારે રોષે ભરાયેલા પતિ જુસબ સાલેમામદે પત્નિ ઉપર દિવાસળી ચાપી લેતાં તેણી સળગતી હાલતમાં બચવા માટે બહાર નીકળી જતાં તેણીને પાડોશીઓ વિગેરેએ બચાવી, વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં તેણીની બે દિવસની તબીબી સારવાર દરમ્યાન તેણીએ ડોકટર અને સક્ષમ અધિકારીઓ સમક્ષ પતિ અને સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. બે દિવસની સારવાર બાદ રૂકશાનાબેનનું મૃત્યુ નીપજતાં તેણીના ડાઇંંગ ડેકલેરેશન (મરણોન્મુખ નિવેદન) ના આધારે પોલીસે આઇ.પી.સી.કલમ ૩૦૭,૪૯૮(અ), ૧૪૭, ૩૦૨, વિગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપી સાસરીયાઓની ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ ખંભાળિયાના એડી. સેસન્સ જજ શ્રી એ.એમ.શેખ. કોર્ટમાં ચાલી જતાં આ સંદર્ભે સરકારી વકીલ લાખાભાઇ ચાવડા દ્વારા આરોપીઓ સામેના નિવેદનો તથા સાહેદો વિગેરેના ૩૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી, આરોપી પતિને સખ્ત સજા મળે તે માટેની દલીલો રજુ કરી હતી.

આ કેસ દરમ્યાન પતિ સિવાયના અન્ય સાસરીયાઓનો શંકાના લાભના આધારે છૂટકારો થયો હતો. મૃતક પરિણિતાની ફરિયાદ તથા સરકારી વકિલ એલ.આર.ચાવડાની દલિલોને ગ્રાહય રાખી, અદાલતે આરોપી પતિ જુસબ સાલેમામદ સંઘારને આજીવન કારાવાસની સજા તથા રૂ.બે હજારનો દંડ ફટકારતી સજાનો હૂકમ કર્યો છે.

(1:39 pm IST)