Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

૫ વર્ષની પૂર્વા દવે પ્રત્યે વહ્યો સહાનુભૂતિનો ધોધ

સોશ્યલ મીડિયામાં 'દુર્ઘટના'ના સમાચાર વહેતા થતાં લોકોના હૃદય દ્રવી ઉઠ્યા : મારી પુત્રી માટે પ્રાર્થના - દુવા કરો : પ્રકાશભાઈ દવે

ભાવનગર - રાજકોટ, તા. ૭ : ભાવનગરમાં ૫ વર્ષની પૂર્વા પ્રકાશભાઈ દવે નામની ઢીંગલી જમ્પીંગ ગેઈમમાં રમતા - રમતા પડી ગયા બાદ તેને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થતાં તાબડતોબ ભાવનગરની હોસ્પિટલમાં ખસેડેલ છે જયાં તેની ગરદન નીચે સંપૂર્ણ પેરાલીસીસ થઈ જતાં તબીબો દ્વારા તેને હસતી - રમતી કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને ૭૬ દિવસથી તેની સારવાર ચાલી રહી છે.

આ અંગે પૂર્વાના પિતા પ્રકાશભાઈ દવે (મો.૯૭૨૬૦ ૯૦૦૫૨/ ૮૭૫૮૩ ૪૯૬૬૫)એ જણાવ્યું કે મેડીકલ સાયન્સમાં પણ કદાચ પેલો કિસ્સો હશે. પૂર્વા પોતાના વિલપાવર અને માતા-પિતાના ધૈર્યના સહારે આ લડાઈ લડી રહી છે. હાલમાં તે ભાવનગર ખાતે જેલ રોડ પર આદર્શ કોમ્પલેક્ષમાં આવેલ તે રિદ્ધિશ લાણીયાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા ઘણા દિવસથી વેન્ટીલેટર પર છે.

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પ્રકાશભાઈ દવેએ ''અકિલા''ને જણાવ્યું હતું કે મારી એકની એક પુત્રી માટે જુદી - જુદી જગ્યાએથી આર્થિક સહાય કરવામાં આવી છે ત્યારે હવે તેમની માટે લોકો પ્રાર્થના અને દુઆ કરે જેથી મારી લાડકવાયી પુત્રી ફરીથી હસતી - રમતી થાય.

પ્રકાશભાઈ દવેનો મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં તેમના જ્ઞાતિજનો સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર દ્વારા પણ આર્થિક મદદ કરવામાં આવી છે.

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી સર્કલ પાસે જમ્પીંગ ગેમ રમતા - રમતા ગત તા.૨૨ એપ્રિલની સાંજે પૂર્વા દવે નામની એક પાંચ વર્ષની બાળાને ઈજા થઈ હતી અને તેને સારવાર અર્થે બાળ ન્યુરોસર્જન ડો.રિદ્ધેશ લાણીયાને ત્યાં દાખલ કરાતા પાંચ વર્ષની આ બાળાને સ્પાઈનલ કોડ ઈન્જરી હોવાનું બહાર આવ્યુ હતું.

ડો.રિદ્ધેશ લાણીયાના જણાવ્યા મુજબ આટલી નાની ઉંમરે આ પ્રકારનો પ્રથમ કેસ છે. પરિણામ મળશે ત્યારે પરંતુ આ બાળાની પ્રત્યે ચોમેરથી સહાનુભૂતિનો ધોધ વહ્યો છે અને તમામ સમાજના લોકો, આગેવાનો આર્થિક સહાયથી લઈ બાળાના પરિવારને મળી રહ્યા છે. ગઈકાલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાજપના પ્રતિભાવંત ધારાસભ્ય જીતુ વાઘાણી પણ પૂર્વાના પિતા પ્રકાશભાઈ દવેને રૂબરૂ મળ્યા હતા અને બાળાની ખબર અંતર પૂછી રાજય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી જે કાંઈ સહાયની જરૂરીયાત હશે ત્યાં સરકાર આફતગ્રસ્ત પરીવારની પડખે છે તેમ જણાવ્યુ હતું.

સોશ્યલ મીડીયામાં પણ પૂર્વા દવેના સમાચારો ખૂબ જ વાયરલ થયા હતા. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ તમામ સ્તર પર પૂર્વા દવેને સહાય આપવા માટેની વાતથી લઈ તેણીની સાથે બનેલી ઘટનાએ લોકોના હૃદયને ઝણઝણાવી દીધુ હતું. જાણવા મળ્યા મુજબ બાળાના પિતા ભાવનગર માર્કેટ યાર્ડમાં શાકભાજી વેચવાનો વ્યવસાય કરે છે અને અત્યાર સુધીમાં ૧૧ લાખથી વધુ રૂપિયાનો ખર્ચ તે બાળા પાછળ કરી ચૂકયા છે. હવે સ્વાભાવિક જ તેમની સ્થિતિ વધુ ખર્ચ કરી શકે તેવી ન હોય ચોમેરથી સહાયનો ધોધ વહી રહ્યો છે. ગઈકાલે સોશ્યલ મીડીયા પર ભાવનગર રામવાડીના પ્રમુખ કિરીટ પંડ્યા સહિતના આગેવાનોએ બાળા પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરી આર્થિક સહાય જાહેર કરી હતી.

આ બાળાને દેશના જાણીતા સ્પાઈનલ સર્જન દિલ્હીના ડો.છાબરા, ડો.ભરત દવે, ડો.અજય ક્રિષ્નન સહિતના તબીબો તપાસ કરી ચૂકયા છે. આ ઉપરાંત ડો.વિઠ્ઠલ રંગરાજન અને ડો.હિમાંશુ ડોડીયા પણ તપાસ કરી ચૂકયા છે. બાળા પ્રત્યે ચોમેરથી સહાનુભૂતિ વ્યકત થઈ રહી છે.

વાણંદ સમાજના ભાઈઓ અલ્પેશભાઈ વાજા, વિપુલભાઈ સોલંકી, ધવલભાઈ વાઘેલા, અંકિતભાઈ ભટ્ટી, હિરેનભાઈ પરમાર, ચિરાગભાઈ ચુડાસમા, જીગરભાઈ વાજા, પરેશભાઈ ચુડાસમા, વિમલભાઈ વકાણી, શૈલેષભાઈ વકાણી સહિતનાએ આર્થિક યોગદાન આપ્યુ છે.

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારની પાંચ વર્ષની બાળા પૂર્વા દવે જલ્દીથી સાજી થઈ જાય તે માટે શહેરના ઈસ્કોન સોસાયટીમાં આવેલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના નિવાસસ્થાનની બાજુના મહાદેવ મંદિરે લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યુ હતું. અહિં સુરેશભાઈ ત્રિવેદી અને અનિલભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ પૂજાવિધિમાં જોડાયા હતા.

ફિલ્મ અભિનેતા હિતેનકુમારે પણ ફેસબુકમાં વિડીયો વાયરલ કર્યો

રાજકોટ : પૂર્વા દવેના મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ ફિલ્મ અભિનેતા હિતેન કુમારે પણ ફેસબુક પર વિડીયો વાયરલ કરીને બ્રાહ્મણ પરિવાર ઉપર આવી પડેલ આફતના સમયે ઉદાર હાથે મદદ કરવા અપીલ કરી હતી.

આ ઉપરાંત હિતેન કુમારે પૂર્વાના પિતા પ્રકાશભાઈ દવે સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી.

(12:52 pm IST)