Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

અમરેલીમાં કોંગ્રેસ ધારાસભ્ય JCBની આડે સૂઈ ગયા : કહ્યું - ચડાવી દયો :ધારાસભ્ય અને રેલવે પોલીસ વચ્ચે મોટો વિવાદ

પાલિકા દ્વારા પડતર જમીનની માગણી રેલવે પાસેથી કરાઈ પણ રેલવે જમીન આપતું નથી

અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અને રેલવે પોલીસ વચ્ચે એક મોટો વિવાદ થયો હતો. આ વિવાદ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યએ રેલવેનું કામ અટકાવીને JCBની આગળ સુઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, જJCB ઉપર ચઢાવી દો અને ધરપકડ કરો. સાથે કોંગ્રેસના ધારાસભ્યએ પોલીસ પર ઉઘરાણી કર્યાના આક્ષેપો પણ લગાવ્યા છે. આ સમગ્ર વિવાદ રેલવેની પડતર જમીનને લઈને થયો હતો. પાલિકા દ્વારા આ પડતર જમીનની માગણી રેલવે પાસેથી કરવામાં આવી છે પણ રેલવે દ્વારા જમીન આપવામાં આવતી નથી. ત્યારે આ જમીનને લઈને ઉગ્રવિવાદ થયો હતો અને વિવાદમાં કોંગ્રેસના ધારાસભ્યને JCBની આડે સૂઈ જવું પડ્યું.

રિપોર્ટ અનુસાર રાજુલામાં છેલ્લા 25 વર્ષ કરતાં પણ વધુ સમયથી રાજુલામાં રહેલી રેલવેની જમીનને નગરપાલિકા દ્વારા માંગવામાં આવી હતી.

રાજુલા નગરપાલિકા દ્વારા રેલવેની જમીનનો બ્યુટીફીકેશન માટે ઉપયોગ કરવા માટે માગવામાં આવી હતી અને આ બાબતે રેલવે દ્વારા રાજુલા નગરપાલિકાના સત્તાધીશોને પણ એગ્રીમેન્ટ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ રેલવે વિભાગ દ્વારા ફરીથી આ જમીન પર બોર્ડરનુ કરવાનું કામ શરૂ કરવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો

રેલવે વિભાગ દ્વારા જમીન પર બોર્ડરનું કામ કરવામાં આવી રહ્યું હતું તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેઓ JCBની આગળ ખોદવામાં આવી રહેલા ખાડાઓમાં સૂઈ ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યએ જણાવ્યું હતું કે JCB મારી ઉપર ચઢાવી દો અને ધરપકડ કરો. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે રેલવે પોલીસ દ્વારા કેબિન ધારકો પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે અડચણ ઊભી કરતા રેલવે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વાતની જાણ થતાં રાજુલા નગરપાલિકાના સભ્યો પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે આક્ષેપ કર્યો હતો કે, અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ભાજપના રાજકીય પ્રેશરના કારણે રેલવે દ્વારા ફરીથી આ જમીન પર બોર્ડર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

(11:46 pm IST)