Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મોરબી જિલ્લામાં બોગસ ડોકટરનો રાફડો ફાટ્યો : વધુ એક ઝડપાયો.

હળવદના દિઘડિયા ગામે મધ્યપ્રદેશના જોલા છાપ ડોકટરને ઝડપી લેવાયો

હળવદ : કોરોના મહામારીમાં કમાઈ લેવા માટે રાજ્યભરમાં ડિગ્રી વગરના બોગસ ડૉક્ટરોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ જોલા છાપ બોગસ ડોકટરનો રાફડો ફાટ્યો હોય તેમ હળવદ તાલુકામથી વધુ એક ઊંટવૈદને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.
હળવદ પોલીસ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે તાલુકાના દિઘડિયા ગામે ડિગ્રી વગરનો બોગસ તબીબ એલોપેથીક સારવાર કરતો હોવાની બાતમી મળતા પોલીસે સાપકડા પીએચસીના હેલ્થ ઓફિસર ડો.તેજસભાઈ નાગરભાઈ પટેલને સાથે રાખી દરોડો પાડતા મધ્યપ્રદેશના વતની શખ્સને રંગે હાથ મેડિકલ પ્રેક્ટિસના સાધનો અને દવાઓ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
વધુમાં હળવદ પોલીસે ઝડપી લીધેલ ઘોડા ડોકટર અમીયકુમાર સચિનચંદ્ર નાથ મંડલ મધ્યપ્રદેશના બહેતુલ જિલ્લાના ધરમપુર ગામનો રહેવાસી હોવાનું અને કોઈ પણ જાતની તબીબી ડિગ્રી ન હોવા છતાં દિઘડિયા તેમજ આજુબાજુના ગામમાં રહેતા લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાનું જણાતા પોલીસે મેડિકલ પ્રેક્ટિશનર એકટની કલમ 30 અને 33 મુજબ ગુન્હો નોંધી દવા સહિતના કુલ રૂપિયા 2685ના મુદ્દામાલ સાથે આ ઊંટ વૈદ્યને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:08 pm IST)