Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ભુજના પીઆઈ રમેશ ગોજીયાએ બોગસ તબીબ પાસેથી ૨૫ હજાર રૂ. લીધા: ભુજ ભાજપના નગરસેવકોની ફરિયાદે સર્જ્યો ખળભળાટ

*અગાઉ ગઢસીસા વિસ્તારના ૧૫ ગામોની ગંભીર ફરિયાદ બાદ કચ્છ ભાજપના એક નેતાના સહારે ગોજીયા ભુજમાં મુકાયાની ચર્ચા, એસપી સૌરભસિંઘે આપ્યા તપાસના આદેશ, સાસંદ વિનોદ ચાવડાએ ગૃહમંત્રીનું ધ્યાન દોર્યું

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે ફરી એક વખત લાંચ લેવાનો આક્ષેપ થયો છે. હાલે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ ડી. ગોજીયા સામે એક નકલી ડોક્ટર પાસેથી ૨૫ હજાર રૂપિયા લેવાનો આક્ષેપ થયો છે. ખુદ શાસક પક્ષ ભાજપનાં ભુજનાં દસ જેટલા નગરસેવકો દ્વારા આ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને પગલે તેમની સામે તપાસ કરવાનો હુકમ પણ થયો છે. પી. આઈ. ગોજીયા જયારે ગઢસીસા હતા ત્યારે તો તેમની સામે લોકોએ તેઓ રૂપિયા પડાવે છે તેવી એફિડેવિટ કરીને લેખિતમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.

અત્યારે ભુજનાં દાદુપીર રોડ ઉપર આવેલા દવાખાનામાં ડીગ્રી વગરનાં બોગસ તબીબ એવા અબ્દુલ ચૌહાણ નામનાં વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કેસમાં પીઆઇ રમેશ ગોજીયાએ બોગસ તબીબ પાસેથી ૨૫ હજાર રૂપિયા લીધા હોવાનો આક્ષેપ ભુજ નગરપાલિકાનાં ભાજપનાં દસેક નગરસેવકોએ કર્યો છે. તેમણે આ અંગે પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘને મળીને ઇન્સ્પેક્ટર રમેશ ગોજીયા વિરુદ્ધ રજુઆત કરી હતી. તેમ જ આ મામલે નગરસેવકોએ કચ્છનાં સાંસદ વિનોદભાઈ ચાવડા પાસે પણ રૂબરૂ મળીને રજુઆત કરતાં તેમણે રાજ્યકક્ષાનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ફોન કરી જાણ કરી હતી. 

આ સમગ્ર મામલે પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંગે હેડ ક્વાર્ટરનાં ડેપ્યુટી એસપી બી.એમ.દેસાઈને તપાસ સોંપી છે. જેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે આ વખતે ગોજીયા સામે થયેલા ગંભીર આક્ષેપને પગલે એસપી દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચને પણ આ ઘટનામાં ઈન્વેસ્ટિગેશન કરવાની સૂચના આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કચ્છનાં ગઢસીસા પંથકનાં ગ્રામજનોએ પીઆઇ રમેશ ગોજીયા સામે થોડા સમય પહેલા જ બાંયો ચઢાવી હતી. જેને પગલે વિવાદ થતા તેમને સજા કરવાને બદલે પશ્ચિમ કચ્છ પોલીસ બેડાના સૌથી મોટા ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા હતા. કચ્છ ભાજપના એક નેતાના ખાસ માનીતા એવા પોલીસ ઇન્સ્પેક્ટર ગોજીયા સામે ૧૫ થી વધુ ગામનાં લોકોએ મોરચો માંડતા પોલીસ બેડા સહિત કચ્છનાં રાજકારણમાં પણ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. 

સામાન્ય રીતે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનાં કર્મચારી જાણવા જોગ અરજી જેવા સામાન્ય કામમાં ઝાઝુ ધ્યાન આપતા નથી. પરંતુ પીઆઇ ગોજીયાને જેમની સામે વાંધો હોય અથવા જયાં તેમનું સેટિંગ ન હોય તેવા કિસ્સામાં જાતે નિવેદન લેતા હોવાની ઘટના પણ સામે આવેલી છે. પીઆઇ સામે લોકો મોરચો માંડે ત્યારે શાસક પક્ષના લોકોનો ટેકો હોતો નથી. પરંતુ કચ્છ ભાજપના એક નેતાના ખાસ માનવામાં આવતા પીઆઇ આર.ડી.ગોજીયા સામે કોંગ્રેસ-ભાજપથી માંડીને તમામ સમાજ, ધર્મ જ્ઞાતિ અને વ્યાપારી મંડળો ઉપરાંત ગ્રામ પંચાયતોએ પણ તેઓ જયારે ગઢસીસામાં હતા ત્યારે વિરોધ કર્યો હતો. 

રાજકીય પ્રભાવને કારણે ઇન્સ્પેક્ટર ગોજીયા સામે અનેક રજૂઆતો કરવા છતા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના અનેક વખત લેખિત અને મૌખિક આક્ષેપો થયેલા છે. પોલીસ ઇન્સ્પેક્ટર હોવા છતાં ગોજીયાનો ઠાઠ એક આઈપીએસને પણ શરમાવે તેવો હોવાનું ચર્ચાય છે. પશ્ચિમ કચ્છનાં એસપીને મળવું હોય તો સામાન્ય માણસ ગમે ત્યારે જઈ શકે પરંતુ ગોજીયા જયારે ગઢસીસા પોલીસ મથકના પીઆઇ તરીકે હતા ત્યારે તેમને મળવાનો સમય નક્કી કરીને તે અંગેનું બોર્ડ મારવામાં આવ્યું હતું. જેમાં સવારે ૧૧ થી બપોરના ૧ તથા સાંજે ૪ થી રાતના ૮ વાગ્યા દરમિયાન જ પીઆઇ સામાન્ય લોકોને મળશે તેવો દુરાગ્રહ રાખવામાં આવતો હતો. કચ્છ ભાજપના એક નેતા ખાસ હોવાને કારણે આ ઇન્સ્પેક્ટરથી તેના સિનિયર પણ આંખ આડા કાન કરતા હોવાનું સૂત્રોએ દાવો કર્યો છે.

(3:00 pm IST)