Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વિસાવદર : વર્ષા પૂરાણી એકમાત્ર સાર્વજનિક પુસ્તકાલયમાં જરૂરી પુસ્તકો સહિત વિશેષ સુવિધા ઉપલબ્ધ કરો : ટીમ ગબ્બર

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૭ : ટિમ ગબ્બર ગુજરાતૅના કે.એચ.ગજેરા તથા નયનભાઈ જોશી (એડવોકેટ) દ્વારા મુખ્યમંત્રી, કલેકટર જૂનાગઢ, મામલતદારશ્રી વિસાવદર, તા.વિ. અધિકારી વિસાવદર, નગર પાલિકા નિયામક ભાવનગર,નાયબ મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા, સાંસદ દર્શનાબેન જસદોસ, કુમારભાઈ કાનાની તથા લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે વિસાવદરના વાંચન અને સાહિત્યપ્રેમીઓ તથા વડીલો અને યુવાઓ તથા વિદ્યાર્થીઓ વર્ષોથી વિસાવદર નગર પાલિકા સંચાલિત પુસ્તકાલયનો ઉપયોગ કરે છે. પરંતુ આ પુસ્તકાલયમાં વર્ષો જુના અને જર્જરિત પુસ્તકો ગણ્યા ગાઠયા રહ્યા છે.

આ પુસ્તકાલય અંગે અવાર નવાર સરકારમાં વખતોવખત રજુઆત કરેલ છે. વિસાવદરના વિદ્યાર્થી, વડીલો, વૃદ્ધ લોકો આ લાયબ્રેરીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય આ પુસ્તકાલયમાં સરકારશ્રી દ્વારા તમામ પ્રકારના નવા જુના પુસ્તકો ફાળવવામાં આવે તે જરૂરી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા, અને જૂનાગઢ લાયબ્રેરી માટે સરકાર દ્વારા એક એક કરોડ ફાળવવામાં આવેલ છે. તે કાર્ય ખુબજ સરાહનીય છે પરંતુ વિસાવદરની આ લાયબ્રેરીને પણ અમુક રકમના પુસ્તકો લોકોને વિદ્યાર્થીઓ, વડીલો, વૃદ્ધોને મળે તે માટે અત્રેની લાયબ્રેરીમાં પણ થોડી રકમ ફાળવવામાં આવે તેવી ટિમ ગબ્બરની રજુવાત છે. વિસાવદરનગર પાલિકા સંચાલિત આ પુસ્તકાલયમાં મકાન પણ વર્ષો જૂનું છે અહીં કોઈ કાયમી કવોલીફાઇડ લાયબ્રેરીયનની પણ નિમણુંક થયેલ નથી કે, પટાવાળા પણ નથી પુસ્તકો સાચવવા માટે કબાટ પણ નથી. પંખા, ટેબલ,ખુરસી પણ સારા બેસવા લાયક નથી. સરકાર દ્વારા આ પુસ્તકાલયમાં થોડા પુસ્તકો, કબાટ, ફર્નીચર અને જરૂરી સ્ટાફ પણ ફાળવવામાં આવે તે  અત્યંત જરૂરી છે.

વિસાવદર નગર પાલિકાના સ્ટાફના કર્મચારી દ્વારા વધારાની ફરજ તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવે છે ત્યારે માત્ર જરૂરી પુસ્તકો અને કબાટ, ફર્નીચર, સ્ટાફની ફાળવણી કરવામાં આવે તેવી સમગ્ર તાલુકાના વડીલો,વૃદ્ધો અને જનતાની માંગ સાથેની રજુઆત ટિમ ગબ્બર કરેલ છે. જેથીઆ બાબતે અમારી રજુઆત ધ્યાને લઇ લાગુ પડતા વિભાગને અમારી ઉપરોકત રજુવાત પહોંચાડી અને રજુઆત અન્વયે કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટિમ ગબ્બરને મોકલી આપવા નયનભાઈ જોશી(એડવોકેટ) દ્વારા જણાવાયું છે.

(1:39 pm IST)