Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના સેવા કાર્યોમાં સહભાગી થતા રાજ્યમંત્રીઃ ધર્મેન્દ્રસિંહ

જામનગર તા.૦૬ જૂન, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજની બહેનોને આત્મનિર્ભર કરવાના નિર્ધાર સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળની મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લઇ સીવણની તાલીમ આપવામાં આવે છે સાથે જ સમાજના બાળકોને શિષ્યવૃત્તિ અને આ મહામારીના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ આપવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સેવાકાર્યોમાં સહભાગી બની સ્વહસ્તે સમાજની તાલીમ પૂર્ણ કરેલ ૫ બહેનોને સિલાઈ મશીન, ૫૦ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને સમાજના લોકોને ૨૩૫ અનાજની કીટ અર્પણ કર્યા હતા. આ અગાઉ સમાજની કુલ ૧૦૪ મહિલાઓને સિલાઇ મશીનનો યોજના અંતર્ગત લાભ મળ્યો છે.

આ પ્રસંગે જામનગર જિલ્લા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા,  સેક્રેટરી શ્રી પ્રવિણસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા, ઉપપ્રમુખશ્રી પી.આર. જાડેજા,  કોર્પોરેટરશ્રીઓ અલકાબા જાડેજા, હર્ષાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, પૂર્વ મેયર શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, માજી સૈનિક મંડળના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, હિતુભા ચુડાસમા, ઘનશ્યામસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા, ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખશ્રી રમણિકભાઇ તથા સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(1:36 pm IST)