Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ ચાવડા કોરોના સામેનો જંગ હારી ગયા

પપ દિવસથી અમદાવાદની હોસ્પિટલમાં જંગ લડતા હતા !!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૭ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા બે-બે ટર્મ સુધી ખંભાળીયાના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવનાર કાળુભાઇ નારણભાઇ ચાવડા કોરોના સામે જંગમાં ગઇકાલે રાત્રે હારી જતાં મૃત્યુ થતાં ભારે શોકની લાગણી છવાઇ છે. કાળુભાઇએ વેકસીનનો પ્રથમ ડોઝ પણ અગાઉ લીધો હતો.

મુળ ભીંડા ગામના વતની કાળુભાઇ ચાવડા એ ખંભાળિયામાં સુપર માર્કેટમાં કાપડના વેપારીથી ધંધો શરૂ કરેલો જે પછી તાલુકા પંચાયતના પ્રમુખ તથા બે ટર્મ સુધી ધારાસભ્ય તથા જિલ્લા ભાજપના પ્રમુખ પણ બનેલા તથા ખંભાળિયા વિકાસના કામો પણ ઢગલાબંધ કરેલા તેમના પરિવારજનોમાં કોરોના થતા તેમને પણ સંક્રમણ થતા ખેતાબિયાથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર પપ દિવસથી ચાલતી હતી જયાં ગત રાત્રે છેલ્લા શ્વાસ લીધા હતા.

કાળુભાઇ ચાવડાએ છેલે ખંભાળિયા પાલિકા તથા ખંભાળિયા તા.પં.તથા જિ.પં.ની બેઠકોમાં પણ ભાજપ માટે નોંધપાત્ર કામ કર્યું હતું તથા તાલુકા, જિલ્લા શહેરની સમસ્યાઓ અંગે પણ સતત જાગૃત રહ્યા હતા.

એક વર્ષમાં ત્રીજા પૂર્વ ધારાસભ્યનું મોત

ખંભાળીયા શહેરના રાજકીય વાતાવરણમાં એક વર્ષમાં ત્રીજા ધારાસભ્યનું મોત નિપજયું છે.

અગાઉ ગંભીર બીમારીમાં પૂર્વ ધારાસભ્યશ્રી જેસાભાઇ ગોટીયાનું મૃત્યુ થયેલું તે પછી પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણઝારિયાનું કોરોના સારવારમાં મૃત્યુ થયું હતું તે પછી ગઇકાલે રાત્રે કાળુભાઇ ચાવડાનું પણ કોરોનામાં મોત નિપજતાં એક વર્ષમાં ત્રણ પૂર્વ ધારાસભ્યોના મોત થયા છે.

કાળુભાઇ ચાવડાએ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ડોકટરોની નિયુકિત, પાક વીમો, નવી સિંચાઇ યોજનાઓ, પાલિકા વિભાગમાં સગવડો નવા ડેમો તળાવોમાં નોંધપાત્ર કામગીરી કરી હતી.

(1:35 pm IST)