Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કાલાવડના દાણીધારના મંદિરના પૂજારીને લૂંટી લેનાર ગેંગનો સૂત્રધાર સરદાર પાંગળા ૧૪ વર્ષે ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૭ :. આજથી ૧૪ વર્ષ પહેલા કાલાવડ તાલુકાના દાણીધાર શ્રી નાથજી દાદાના મંદિરન પૂજારીને ગંભીર ઈજાઓ પહોંચાડી ધાડપાડુ ટોળકીએ મંદિરમાં સોના-ચાંદીના ઘરેણા તથા રોકડની લૂંટ કરેલ જે પૈકીના નાસતા ફરતા ગેંગના મુખ્ય સૂત્રધાર સરદાર પાંગળાને સુરતના અડાજણ ખાતેથી જામનગર પેરોલ/ફર્લો સ્કવોડએ પકડી પાડેલ છે.

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સૂચના તેમજ એલ.સી.બી. પો. ઈન્સ. એસ.એસ. નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ. એ.એસ. ગરચર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા તથા કાસમભાઈ બ્લોચ તથા અરવિંદગીરી ગોસાઈને હકીકત મળેલ કે કાલાવડ પો. સ્ટે. ફ.ગુ.ર.ન. ૧૨૭/૨૦૦૭ ઈપીકો કલમ ૩૯૫, ૩૨૩ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી સરકાર પાંગળાભાઈ તડવી (ઉ.વ. ૪૦) રહે. ખેડા ફળીયુ, માંડવ તા. ધાનપુર જી. દાહોદવાળો હાલ સુરતના અડાજણ વિસ્તારમાં હાજર હોય જેથી બાતમી હકીકતના આધારે પકડી પાડી કાલાવડ ટાઉન પો.સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરીમાં સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, મેહુલભાઈ ગઢવી, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવે કરેલ છે.

(1:25 pm IST)