Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

રાજુલા ડુંગર રોડ પર એમ્બ્યુલન્સ માટે ફાટક ના ખોલતા હડમતીયાના વ્યકિતનું મોત

રાજુલા તા. ૭ : તાલુકાના દેવકા ગામે છકડો રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા સવાર ૬ વ્યકિતને અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં હડમતીયા ગામના જોધાભાઈ ઓઘડભાઈ રાઠોડ (ઉ.વ. ૫૫)ની ગંભીર હાલત જણાતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા તે દરમિયાન રાજુલા ડુંગર રોડ પર આવેલી ફાટક બંધ હોવાનાં કારણે ૨૫-૩૦ મિનિટ સુધી માલગાડી પસાર નાં થાય ત્યાં સુધી રેલવે ફાટક બંધ રાખવામાં આવી હતી રાજુલા તાલુકા પંચાયત નાં પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર તથા હડમતીયાનાં સરપંચ રાણીંગભાઈ પીંજર સહિતના ગામનાં આગેવાનો દ્વારા સતત વિનંતીઓ કરવા છતાં પણ કોઈ પણની વાત સાંભળી નહોતી. જેનાં કારણે સમયસર સારવાર ના મળવાનાં કારણે હડમતીયાનાં વ્યકિતનું મોત નિપજયું હતું.

કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર દ્વારા જણાવાયું હતું કે કર્મચારીઓ પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને એમ્બ્યુલન્સને સમયસર ફાટક ખોલવા માટે આદેશ આપવા જોઈએ. તેમજ પીપાવાવ પોર્ટની ૧૮-૨૦ માલગાડી અહિયાથી દૈનિક પસાર થાય છે તેનાં લીધે વારંવાર ૨૦-૩૦ મિનિટ સુધી ફાટક બંધ રાખવામાં આવે છે. જેનાં કારણે લોકો ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચી નથી શકતા. આથી તંત્ર દ્વારા વહેલી તકે અવરબ્રિજ બનાવવામાં આવે.

(1:23 pm IST)