Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 4 આંચકા અનુભવાયા

રાપર, ફતેગઢ, દુધઈની ધરા ધ્રુજી :મોડીરાત્રે ભચાઉમાં 1.5ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો

ભુજ : વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 4 આંચકા અનુભવાયા હતા. જેમાં રાપર, ફતેગઢ, દુધઈની ધરા ધ્રુજી હતી. આજે મોડીરાત્રે ભચાઉમાં 1.5ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

 

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 2:35 કલાકે કચ્છના રાપરથી 16 કિ.મી. દૂર 1.6ની તિવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ સાંજે 6:39 કલાકે કચ્છના ફતેગઢથી 13 કિ.મી.દૂર 1.7ની તિવ્રતાનો આંચકો સાઉથ-સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ રાત્રે 8:26 કલાકે કચ્છના દુધઈથી 23 કિ.મી. દૂર નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે 1.6ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને આજે મોડીરાત્રે 3:27 કલાકે કચ્છના ભચાઉથી 24 કિ.મી. દૂર 1.5ની તિવ્રતાનું કેન્દ્ર બિંદુ નોર્થ-નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.

વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ આંચકા અવાર-નવાર આવતા રહેશે આ આંચકાથી કોઈ નુકશાન થવાની ભીતિ નથી. છેલ્લા 24 કલાકમાં કચ્છમાં અનુભવાયેલા આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

(1:02 pm IST)