Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ઓમાનના દરિયામાં પોરબંદરના 'અમૃત'ની જળ સમાધિ : ૯ ખલાસીનો બચાવ

દુબઇથી યમન જતુ'તું : દરિયાઇ તોફાનમાં વહાણ સપડાયું : જોડીયા, મહુવા,કચ્છના લોકોને દુબઇના વહાણે બચાવી લીધા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૭ : દરિયાઈ સફર ખેડી રહેલ પોરબંદરનું અમૃત વહાણ દુબઈથી યમન જઈ રહ્યું હતું ત્યારે દરિયાઈ તોફાનમાં અટવાઈ જતાં આ વહાણે જળ સમાધિ લીધી હતી. પોરબંદરની યુરો એરિયન શિપિંગ કંપનીનું વહાણ પી.બી.આર. ૧૬૭૪ અમૃત ૩૦ મે ના દુબઈથી ૧૦૦૦ ટન કારગો ભરીને યમનના અશગીર બંદરે રવાના થયું હતું ૨ જી જૂનના આ વહાણ ઓમાનના રાસ લહાદ અને મશીરા પાસે પહોંચ્યું ત્યારે દરિયાઈ તોફાનમાં અટવાયું હતું. તાકાતવર મોજાની ઝપટે વહાણે જળ સમાધિ લેતાં તેમાં રહેલા ૯ ખલાસીઓ દરિયામાં કુદી પડ્યા હતા. જીવ બચાવવા કુદેલા આ ખલાસીઓને દુબઈના અરેબીયન વહાણ ફતેહ અલબારીએ બચાવી લીધા હતા.

કચ્છી વહાણવટા એસોસિયેશનના પ્રમુખ હાજી આદમ થૈમના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છના ૯ ખલાસીઓ બચી ગયા હતા. બચેલા ખલડીઓમાં કાસમ બાવલા લાડકા (જોડિયા, જામનગર), વાલજી મંગા બારૈયા (મહુવા), ઉપરાંત કચ્છના માંડવી સલાયાના આમદ જુસબ જાફરાની, હસન આમદ જાફરાની, યુનુસ આમદ જાફરાની, અનીશ ઓસમાણ ગની સોઢા, ફહદ અનવર શીરુ, અનવર આમદ સોઢા, મહંમદ સિદિક રમજુ કોરેજા નો સમાવેશ થાય છે.

માંડવીના બે યુવાનો અને તેમના પિતા પણ આ જહાજમાં હતા. જો કે બધા હેમખેમ પરત ફરતા રાહતનો શ્વાસ લીધો હતો. સમુદ્રી આફતમાં માંડવી અને સલાયાના ક્રૂ-મેમ્બરોનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર જહાજ દુબઇથી ૩૦ના મેના રોજ યમનના અશગીર બંદરે જવા નીકળ્યું હતું. ૨ જૂનના ઓમાન પહોંચ્યું ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા જહાજ અચાનક જ ડૂબવા લાગ્યું હતું. આ ઘટના વેળાએ ક્રૂ-મેમ્બરોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.

જહાજ ડૂબવા લાગતા જ માંડવી-સલાયાના ક્રૂ-મેમ્બરો સહિત ૯ લોકો જીવના જોખમે ટપોટપ દરિયામાં કૂદી પડ્યા હતા. ત્યારે આ ખલાસીઓની વ્હારે દુબઇ આરબનું જહાજ મદદે આવી ગયું હતું. શિપિંગ કંપનીનું પી.બી.આર.૧૬૭૪ અમૃત જહાજ દુબઇથી ૩૦ મેના રોજ યમનના અશગીર બંદરે જવા પ્રસ્થાન કર્યું હતું.

(12:10 pm IST)