Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ઉના પંથકમાં વાવાઝોડાથી અસરગ્રસ્તમાં બાકી રહેલા વિસ્તારોનો સર્વે કરીને વહેલી તકે સહાય ચુકવવા માંગણી

(નવીન જોષી દ્વારા) ઉના તા.૭ : શહેર તથા સીમવાડી વિસ્તારમાં વાવાઝોડાથી થયેલ નુકશાનીનો યોગ્ય રીતે સર્વે ન કરાતા ઘણા મકાનો, મંદિરો, ગૌશાળાને નુકશાનીનો સર્વે ન કરાતા લોકો અરજી કયા કરવી તે પ્રશ્ન ઉભો થયો. ઉના ન.પા.માં કોર્ટે અરજી સ્વીકારતા નથી. મામલતદાર કચેરીમાં અરજી ફોર્મ સ્વીકારવામાં આવતા નથી ત્યારે બાકી રહી ગયેલા અસરગ્રસ્તને તુરંત સર્વે કરાવી સહાય ચુકવવા માંગણી ઉઠી છે.

વાવાઝોડા તથા પવનને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં મકાનના નળીયા, છાપરા ઉડી ગયા હતા. દિવાલો પડી ગઇ છે. ઉનાના જીઇબી ખારામાં આવેલ જાનકી વલ્લભ મંદિરની ધર્મશાળા તથા કૃષ્ણ ગૌશાળાના છાપરા પણ ઉડી નુકશાન પામેલ છે. તેમજ શહેરની સીમ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોના કાચા મકાનો પડી ગયા છે. છાપરા, નળીયા ઉડી ગયા છે તે અંગે સરકારે નુકશાનીનું વળતર સહાય ચુકવવા સર્વે કરવા ટીમો ઉતારી હતી અને આ ટીમે જાણે ખરેખર અસરગ્રસ્ત વિસ્તારોમાં જઇ સર્વે કરેલ નથી આજે વાવાઝોડાને ૧૮ દિવસ થવા છતા ઘણા વિસ્તારોના લોકોનો નુકશાનીનો સર્વે થયેલ નથી અને અસરગ્રસ્ત લોકો ઉના ન.પા. અને મામલતદાર કચેરીએ જઇ ફોર્મ ભરવા જાય છે. તેમને સંતોષકારક જવાબ અપાતો નથી. લોકોએ નુકશાનીની સહાય મેળવવા કયાં જવુ તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

(12:05 pm IST)