Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

દોઢ વર્ષનો બન્ની નસલનો પાડો એક લાખમાં વેચાયો

હળવદના મિયાણી ગામના માલધારી પાસેથી કવાડિયાના પશુપાલકે અર્જનને ખરીદ્યો

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૭ : સામાન્ય રીતે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ પશુપાલકો માદા પશુનો જ યોગ્ય ઉછેર કરતા હોય છે અને નર પશુને પાણીના ભાવે વેચી દેતા હોય છે ત્યારે હળવદના મિયાણી ગામે પશુપાલનની સાથે સિલેકટિવ બ્રિડિંગ કરતા માલધારીનો બન્ની નસલનો માત્ર દોઢ જ વર્ષનો પાડો આજે રૂપિયા એક લાખ અગિયાર હજારમાં વેચાયો હતો.

હળવદના મિયાણી ગામે રહેતા વિપુલભાઈ રાણાભાઈ આહીર પશુપાલનનો વ્યવસાય કરે છે અને સાથે સાથે સિલેકટિવ બ્રિડિંગ કરી જાતવાન ભેંસ ઉછેરે છે, તેમની બન્ની નસલની ભેંસને પાડો જન્મતા વિપુલભાઈએ અન્ય પશુપાલકોની વિચાર સરણીથી અલગ જ રીતે વિચારી પાડી કરતા પણ વધારે જતનથી ઉછેરી આ પાડાને અર્જુન નામ આપી ખાનપાનમાં વિશેષ કાળજી સાથે તંદુરસ્ત મદમસ્ત બનાવ્યો હતો.

બીજી તરફ અર્જુન નામનો આ પાડો દોઢ વર્ષનો થતા જાણે અઢી કે ત્રણ વર્ષનો હોય તેવો ભરાવદાર બની જતા કવાડિયા ગામના લાલભા ગઢવીએ પોતાની ભેંસના ઘેરા માટે જાતવાન બન્ની નસલના અર્જુનને આજે રૂપિયા એક લાખમાં ખરીદ કર્યો હતો.

આમ, જો પશુપાલકો માદા પશુઓની જેમ જ જો થોડી કાળજી અને ચીવટ પૂર્વક નર પશુઓનો પણ ઉછેર કરે તો સારું આર્થિક વળતર મળવાની સાથે સારા જાતવાન ઔલાદના પશુઓનો વેલો પણ જાળવી શકશે.

(12:03 pm IST)